ભારતીય નાગરિકત્વ મેળવવા માટે સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત રહેશે

નવી દિલ્હી – કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી વિના ભારતનું નાગરિકત્વ નહીં મળે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે.

નાગરિકત્વ (સુધારા) ખરડો પાસ થઈ ગયો હોવાથી આ નિયમ અમલમાં આવી ગયો છે.

ભારતીય નાગરિકત્વ માટે મળનાર દરેક અરજીનું ચેકિંગ સંબંધિત રાજ્યના નાયબ કમિશનર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. ચેકિંગ કરી લીધા બાદ તે અરજી સંબંધિત રાજ્ય સરકારને સુપરત કરશે.

ત્યારબાદ રાજ્ય સરકારે પોતાની એજન્સીઓ મારફત તપાસ યોજવાની રહેશે. એ તપાસ પૂરી થયા બાદ જ અરજદાર વ્યક્તિને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી કે ભલામણ વિના કોઈ પણ વિદેશી નાગરિકને ભારતીય નાગરિકત્વ આપવામાં નહીં આવે.

ઈશાન ભારતમાં ઘણી સંસ્થાઓ અને લોકોએ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ-2019નો વિરોધ કર્યો છે. આ ખરડામાં જોગવાઈ છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી નાબુદ કરાયેલી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તી જેવી લઘુમતી કોમોના લોકોને જો ભારતમાં નાગરિકત્વ જોઈતું હોય તો એમણે પુરવાર કરવું પડે કે તેઓ સાત વર્ષથી ભારતમાં રહે છે. આ જોગવાઈ એવા લોકોને જ લાગુ પડશે તેઓ 31 ડિસેંબર, 2014ની પહેલાં ભારતમાં આવ્યાં હશે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકોએ પુરવાર કરવું પડશે કે તેઓ આ ત્રણમાંના કોઈ એક દેશમાં રહેતા હતા અને ત્યાં લઘુમતી કોમો નાબુદ કરાતાં એમને ભારત આવવું પડ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]