‘ફ્લાઇંગ શીખ’ 91 વર્ષીય મિલ્ખા સિંહનું નિધન

નવી દિલ્હીઃ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના સંક્રમણથી ઝઝૂમ્યા પછી શુક્રવારે નિધન થયું છે. તેમણે શુક્રવારે રાત્રે 11.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. 13 જૂને તેમનાં પત્ની અને ભારતીય વોલીબોલ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું કોરોના સંક્રમણને નિધન થયું હતું. પદ્મશ્રી મિલખા સિંહ  91 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમના પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પુત્રીઓ છે. ફ્લાઇંગ સિંહના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ગૃહપ્રધાન અમિત શાહ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ સહિત અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મિલ્ખા સિંહના નિધનથી આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે, જેમનું અસંખ્ય ભારતીયોના હ્રદયમાં સ્થાન હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી જૂને મિલ્ખા સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની તબિયત વિશે પૂછ્યું હતું.

નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું હતું કે કરોડો યુવાઓના પ્રેરણાસ્રોત, પદ્મશ્રી મિલ્ખા સિંહજીના નિધનથી અત્યંત દુખી છું. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ.

મિલ્ખા સિંહની હાલત શુક્રવાર સાંજથી ખરાબ હતી અને તાવની સાથે તેમનું ઓક્સિજન લેવલ ઓછું થયું હતું. તેઓ અહીં પીજીઆઇએમઇઆરના આઇસીયુમાં દાખલ હતા.

ચાર વખતના એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા મિલ્ખા સિંહે 1958 રાષ્ટ્રમંડળ રમતોમાં મેડલ જીત્યો હતો. એમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1960ના રોમ ઓલિમ્પિકમાં હતું. તેમણે તે 400 મીટર ફાઇનલમાં ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 1959માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.