નવી દિલ્હીઃ દેશમાં વિધાનસભા ચૂંટણી-2022નાં પડઘમ વાગવા માંડ્યાં છે. ચૂંટણી પંચ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ બપોરે 3.30 કલાકે જાહેર કરશે. ઉત્તર પ્રદેશમાં ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે શુક્રવારે બપોરે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદમાં આ ચૂંટણીની તારીખો જાહેર કરશેચ. ઉત્તર પ્રદેશમાં હાલની વિધાનસભાની મુદત મે મહિનામાં પૂરી થશે, જ્યારે અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં વિવિધ તારીખોએ પૂરો થશે.
અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં 6થી 8 તબક્કમાં ચૂંટણી યોજાશે, જ્યારે પંજાબમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની યોજના છે. ઉત્તરાખંડ અને ગોવામાં એક તબક્કામાં, જ્યારે મણિપુરમાં 2-2 તબક્કામાં ચૂંટણી કરાવવા માટેની તૈયારી કરવામાં આવી છે.
ચૂંટણી પંચે આ વખતે શુક્રવારે જ કેમ્પેનિંગ માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી હતી. હવે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પોતાના પાર્લમેન્ટરી વિસ્તારમાં વર્ષ 2014માં નક્કી કરવામાં આવેલા 70 લાખ રૂપિયાની જગ્યાએ રૂ. 95 લાખ અને રૂ. 54 લાખની જગ્યાએ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે.
આ રીતે વિધાનસભા ચૂંટણીમાં રૂ. 28 લાખની જગ્યાએ રૂ. 40 લાખ અને રૂ. 20 લાખની જગ્યાએ રૂ. 28 લાખનો ખર્ચ કરી શકશે. પંચે આ ખર્ચની સીમા એની એક કમિટીએ કરેલી ભલામણના આધારે વધારી છે. કોરોના વધતા કેસોની વચ્ચે ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર રસીના બંને ડોઝ નહિ લગાડનારને પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવે એવી શક્યતા છે.