વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાનઃ 10-માર્ચે ચૂંટણી પરિણામો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે વધુ ને વધુ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. કોરોના રોગચાળા દરમ્યાન ચૂંટણી યોજવી એ એક પડકારજનક છે. કોરોનાના કપરા કાળમાં પણ ચૂંટણી સમયસર કરાવવી એ અમારું કર્તવ્ય છે. ચૂંટણી વખતે કોરોનાના નિયમોનું સખતાઈથી પાલન કરાવવામાં આવશે, એમ ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું.

આ વખતે પાંચ રાજ્યોની 690 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે. આ વખતે 18.34 કરોડ મતદાતાઓ તેમનો મતાધિકાર કરી શકશે. આ વખતે 24.9 લાખ મતદાતાઓ સૌપ્રથમ વાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સંદર્ભે પાંચ જાન્યુઆરીએ મતદાતા યાદી જાહેર કરવામાં આવી હતી.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી 10 ફેબ્રુઆરીએ મતદાન થશે, એ પછી 14 ફેબ્રુઆરી બીજા તબક્કાનું, ત્રીજા તબક્કાનું 20 ફેબ્રુઆરીએ, ચોથા તબક્કાનું મતદાન 23એ અને પાંચમા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ,  ત્રીજી માર્ચે છઠ્ઠા તબક્કાનું અને સાતમી માર્ચે સાતમા તબક્કાનું મતદાન કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય ત્રણ રાજ્યો ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં મતદાન કરાવવામાં આવશે, જ્યારે મણિપુરમાં બે તબક્કામાં મતદાન યોજવામાં આવશે.

આ ઉપરાંત પાંચે રાજ્યોના મતોની ગણતરી 10મી માર્ચે કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં 29 ટકા મતદાતા સૌપ્રથમ વાર મતદાન કરશે. આ વખતે 2,15,368 મતદાન મથકો હશે. મતદાન મથકોમાં 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 1620 મતદાન મથકોએ પર માત્ર મહિલા કર્મચારીઓ રાખવામાં આવશે.

આ વખતે ચૂંટણીમાં મતદાર માટે વ્હીલચેરની સુવિધા પણ રાખવામાં આવશે.આ ઉપરાંત 80થી વધુ વયની વ્યક્તિઓ, દિવ્યાંગો અને કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઓનલાઇન પોસ્ટલ બેલેટની સુવિધા કરવામાં આવશે.

આ સાથે મતદાતા માટે નો યોર કેન્ડિડેટની એપ પણ ઉપલબ્ધ થશે. જેથી મતદાતા ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારની માહિતી મેળવી શકે. બધા કાર્યક્રમોની વિડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત 900 ઓબ્ઝર્વર ચૂંટણી પર નજર રાખશે. એક મથક પર 125 મતદાતા મત આપી શકશે.દરેક મથકે માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં ચૂંટણીમાં સામેલ બધા કર્મચારીઓ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે.

પાંચે રાજ્યોમાં મોટા ભાગના લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે.  આ ચૂંટણીમાં પક્ષો ડિજિટલ વર્ચ્યુઅલ ચૂંટણીપ્રચાર કરી શકશે, પણ પદયાત્રા, રોડ-શો અને સાઇકલ રેલી પર પ્રતિબંધ રહેશે. ઉમેદવાર રૂ. 40 લાખનો ખર્ચ કરી શકશે. આ ઉપરાંત 15 જાન્યુઆરી સુધી જનસભાઓ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જીત પછી પણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે ચૂંટણી પંચના કમિશનરે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.