રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પ્રવેશી જમ્મુ-કશ્મીરમાં

શ્રીનગરઃ કોંગ્રેસ પાર્ટીની કન્યાકુમારીથી કશ્મીર સુધીની ‘ભારત જોડો યાત્રા’ના આખરી ચરણમાં ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ ગઈ કાલે સાંજે સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ એમની પદયાત્રા – ‘ભારત જોડો યાત્રા’નું આવતી 30 જાન્યુઆરીએ શ્રીનગર શહેરના ઐતિહાસિક લાલ ચોક ખાતે સમાપન કરશે.

રાહુલ ગાંધી પડોશના પંજાબ રાજ્યમાંથી જમ્મુ-કશ્મીરના કઠુઆ જિલ્લાના લાખનપુર વિસ્તારમાં પગપાળા પહોંચ્યા હતા. ત્યાં એમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘મારા પૂર્વજો આ ભૂમિના હતા. તેથી મને જાણે ઘેર પાછો ફર્યાની લાગણી થાય છે. હું મારા પારવારિક મૂળમાં પાછો જઈ રહ્યો છું. જમ્મુ અને કશ્મીરની જનતાના દુઃખથી હું પરિચિત છું. હું માથું ઝુકાવીને તમારી પાસે આવ્યો છું.’

ગયા વર્ષની 7 સપ્ટેમ્બરે તામિલનાડુના કન્યાકુમારીથી એમની ‘ભારત જોડો યાત્રા’નો આરંભ કર્યો હતો. તેઓ એમના પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ અને સમર્થકો સાથે પગપાળા કશ્મીરની ધરતી પર પહોંચ્યાં છે. જમ્મુ-કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું છે કે આ યાત્રા માટે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રત્યેક જિલ્લામાં તમામ જરૂરી સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવામાં આવશે.

યાત્રા આજે સવારે કઠુઆના હાટલી મોર વિસ્તારમાં પહોંચી હતી. ચડવાલમાં તેઓ રાત્રી-રોકાણ કરશે. 21મીના શનિવારે વિશ્રામનો દિવસ રખાયો છે. 23મીએ યાત્રા જમ્મુ પહોંચશે. જમ્મુ પ્રદેશમાં યાત્રા એક સપ્તાહ રહેશે. ત્યાંથી શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય હાઈવે પરની જવાહર ટનલમાં થઈને 27 જાન્યુઆરીએ યાત્રા કશ્મીર ખીણપ્રદેશમાં પહોંચશે. 27મીથી યાત્રા શ્રીનગર જતા માર્ગમાં અનેક ભાગોમાંથી પ્રવાસ કરશે. 30 જાન્યુઆરીએ યાત્રાના સમાપન દિવસે શ્રીનગરના શેર-એ-કશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી અને એની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રાજકારણને લીધે દેશમાં બેરોજગારી, નફરત, હિંસા અને મોંઘવારી જેવી સમસ્યાઓનો વ્યાપણે ફેલાવો થયો છે. એના પ્રતિ જનજાગૃતિ જગાડવા માટે રાહુલે આ યાત્રા શરૂ કરી છે. એમણે પ્રચારમાધ્યમો પર આક્ષેપ કર્યો છે કે તેઓ આ સમસ્યાઓની રજૂઆત કરતા નથી. સરકાર લોકોનું ધ્યાન બીજે ભટકાવી રહી છે.