DRDOના વૈજ્ઞાનિકે દિલ્હી કોર્ટમાં બ્લાસ્ટ કર્યો હતોઃ અસ્થાના

નવી દિલ્હીઃ રોહિણી કોર્ટમાં નવ ડિસેમ્બરે લો ઇન્ટેસિટી બ્લાસ્ટ થયો હતો. આને લઈને ચોંકાવનારા ખુલાસા દિલ્હી પોલીસે કર્યા છે. રોહિણી બ્લાસ્ટનો કેસ દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કર્યો હતો. આ બ્લાસ્ટ DRDOના વૈજ્ઞાનિકે કર્યો હતો. ભારત ભૂષણ કટારિયા DRDOમાં સિનિયર સાયન્ટિસ્ટ છે. તેમની ધરપકડ કરવામાં આવી છે, એમ દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું હતું. આ વૈજ્ઞાનિકે પડોશી વકીલને મારવા માટે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. તે વકીલે આરોપીની સામે સાત કેસ કર્યા હતા.  

તેમણે કહ્યું હતું કે આ કોર્ટની સુરક્ષાનો મામલો હતો, જેથી એને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. 1000 ગાડીઓ કોર્ટમાં આવી હતી. એની તપાસ કરવામાં આવી હતી. 100થી વધુ CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. 1000થી વધુ CCTV ફુટેજ જોવામાં આવ્યા હતા. ડમ્પ ડેટા પણ જોવામાં આવ્યો હતો. એ દિવસે કોર્ટમાં જે કેસ હતા, જેમને કોર્ટમાં હાજર થવાનું હતું –એ બધાની તપાસ કરવામાં આવી હતી.

જે મટીરિયલ પ્રયોગ કરવામાં આવ્યું હતું, એ બોમ્બ બનાવવામાં એ સરળતાથી ઉપલબ્ધ થનારું મટીરિયલ હતું. IEEDમાં માત્ર ડિટોનેટર જ બ્લાસ્ટ થયું હતું. જો પૂરો બોમ્બ ફટત તો મોટો ધડાકો થાત. આ બ્લાસ્ટ કરવા માટે જે રિમોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ એન્ટિ ઓટો થેફ્ટ રિમોટ હતું, જે ગાડીઓમાં ઉપયોગ થાય છે. બેગમાંથી કેસ સાથે જોડાયેલી કેટલીક ફાઇલો પણ મળી હતી. એની તપાસ જારી છે.

વૈજ્ઞાનિકના ઘરેથી બોમ્બ બનાવવાનો સામાન મળ્યો છે. તેઓ એ દિવસે બે બેગ લઈને અંદર આવ્યા હતા અને અલગ-અલગ  ગેટથી બે વાર બહાર ગયા હતા. વકીલની વેશભૂષામાં કોર્ટમાં ગયા હતા. બ્લાસ્ટ થયા પછી તે કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. બોમ્બ બનાવવામાં જે વિસ્ફોટકનો બ્લાસ્ટ થયો  એ એમોનિયમ નાઇટ્રેટ હતું. રિમોટ અને કેટલોક સામાન એમેઝોનથી ખરીદવામાં આવ્યો હતો. જોકે વિસ્ફોટક ક્યાંથી લાવ્યા એની તપાસ જારી છે.