UP+YOGI, બહુ છે ઉપયોગીઃ PM મોદીનું નવું સૂત્ર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરી દીધો હતો. આ અવસરે તેમણે જનતાને સંબોધતા એક્સપ્રેસ-વેના લાભ ગણાવવાની સાથે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. હવે અહીં દરેક વર્ગના વિકાસને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવે છે અને માફિયાઓની ગેરકાયદે ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. એટલા માટે યુપી માટે યોગી બહુ ઉપયોગી છે.

ગંગા એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. એની લંબાઈ 594 કિમી હશે. ગંગા એક્સપ્રેસ-વે મેરઠથી પ્રયાગરાજ સુધી યુપીના 12 જિલ્લાઓમાંથી પસાર થશે. આ એક્સપ્રે-વે યુપીના પૂર્વ અને પશ્ચિમી ક્ષેત્રને જોડશે. તેમણે કહ્યું હતું કે શાહજહાંપુરની જમીન પર વીરતાની ધારા વહી છે. કાલે જ પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાક ઉલ્લા ખાન,ઠાકુર રોશન સિંહનો બલિદાન દિવસ છે. અંગ્રેજોએ આ ત્રણે સપૂતોને 19 ડિસેમ્બરે ફાંસી આપી હતી.

ડબલ એન્જિનની સરકારનું ધ્યાન યુપીના વિકાસ પર કેન્દ્રિત છે, પણ 2014 પહેલાં યુપીમાં કેટલાક લોકો દ્વારા યોજનાઓ બનાવવામાં આવતી હતી અને કેટલાક લોકોના વિકાસ વિશે વિચારવામાં આવતું હતું, પણ હવે યુપીમાં સૌના વિકાસ માટે વિચારવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ શાહજહાંપુરમાં રૂ. 36,200 કરોડના ખર્ચે બનનારા 594 કિમી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરી દીધો છે. આ એક્સપ્રેસ-વે માટે અત્યાર સુધી 94 ટકા જમીન અધિગ્રહણ કરવામાં આવી ચૂકી છે.