નવી દિલ્હીઃ કોંગ્રેસે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની વિરુદ્ધ ફરી એક વાર મોરચો ખોલ્યો છે. રાજ્યના ટોચના પદાધિકારીઓએ હાલમાં પૂરી થયેલી ચૂંટણીમાં પાર્ટીની હાર માટે આપને જવાબદાર ઠેરવી છે, એમ કોંગ્રેસનાં સૂત્રોના હાલેથી મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં સત્તારૂઢ પાર્ટીની વિરુદ્ધ કોંગ્રેસનું આકરું વલણ કોંગ્રેસની એ જાહેર ઘોષણા પછી આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેજરીવાલની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે પંજાબમાં કોઈ ઇન્ડિયા ગઠબંધન નથી. હરિયાણામાં અમે લોકસભા ચૂંટણીમાં આપને એક સીટ આપી હતી, પણ મને નથી લાગતું કે વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન થશે. આપ પાર્ટીએ પણ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં થાય.
કોંગ્રેસી ઉદિતરાજ લાલઘૂમ
દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ઉદિત રાજ હારી જવાથી ગુસ્સામાં છે અને તેમણે પણ હાર માટે કોંગ્રેસ નેતાઓ અને આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોને જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસ પાર્ટી એ જ લોકોને પ્રમોટ કરી રહી છે, જેને કારણે ઉત્તર પશ્ચિમી લોકસભા સીટ પર હાર થઈ, એમ તેમણે કહ્યું હતું.
આપ પાર્ટીના વિધાનસભ્યોની મંછા પર સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યોએ એક સમજ વિકસિત કરી હતી કે કોંગ્રેસ પર આપ પાર્ટીના મત વધ્યા તો ઝાડુને મત નહીં મળે. તેમણે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હતી અને ઇન્ડિયા ગઠબંધનની અવગણના કરી હતી. તેમણે પોતાની અસુરક્ષાને કારણે કોંગ્રેસને મત ના આપવા દીધા, એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીમાં અનેક કોંગ્રેસ છે, સ્થાનિકોની અલગ કોંગ્રેસ છે, રાહુલ ગાંધી અને ખડગેની અલગ કોંગ્રેસ છે. અમારા લોકોમાં જ આંતરકલહ છે, જેને કારણે મને હરાવવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.