બે વાર કરી, પણ હવે ક્યારેય ભૂલ નહીં કરીએઃ નીતીશકુમાર

પટનાઃ બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચઢી રહેલા રાજકીય પારાને CM નીતીશે શાંત કરવાના પ્રયાસ કર્યા છે. પટનામાં CM નીતીશકુમારે ફરી એક કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય હવે RJDની સાથે ગઠબંધન નહીં કરે. તેમણે આયોજિત એક કાર્યક્રમમાં નીતીશકુમારે RJD પર બિહાર માટે કામ નહીં કરવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે અમારાથી બે વાર ભૂલ થઈ હતી. અમે બે વાર એ લોકોનો સાથ આપ્યો અને પછી હટાવી દીધો. હવે અમે ક્યારે અહીં-તહીં નહીં જઈએ.

નીતિશ કુમારે હાલમાં RJD નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. એ પછી એવી અટકળો થઈ  હતી કે બિહારના રાજકારણમાં ફરી એક વાર નવાજૂની થઈ શકે છે. આ મુલાકાત પણ અચાનક થઈ હતી અને બંને નેતા વચ્ચે લગભગ અડધા કલાક સુધી ચર્ચા થઇ હતી.

હવે નીતિશ કુમારે આ મામલે લાગી રહેલા તમામ કયાસો પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે NDA સાથે હવે અમારું ગઠબંધન સ્વાભાવિક છે અને હવે તે હંમેશાં માટે જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ નડ્ડા પણ આજે પટના પહોંચ્યા હતા અને નીતિશ કુમાર સાથે તેમની મુલાકાત થઇ હતી. નડ્ડા અહીં બે દિવસ રોકાશે.

CM નીતિશ કુમાર RJD પ્રમુખ લાલુ યાદવના ઘરે તેમને મળવા ગયા હતા, જેને કારણે ફરી અટકળો શરૂ થઈ હતી કે નીતિશ ફરીથી મહાગઠબંધનમાં સામેલ થશે. કહેવાય છે કે નીતીશ 3-4 દિવસમાં બીજી વખત તેજસ્વી અને લાલુને મળવા આવ્યા હતા. આનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેના પછી આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા હતા. હવે બિહારના CMએ ખુદ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.