આહિર યુવા ફોરમ દ્વારા સમાજના વિવિધ તારલાઓનું સન્માન

ગાંધીનગર: સ્થાનિક સંસ્થા આહીર યુવા ફોરમ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના પ્રોત્સાહન આપવાનો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. આ સંસ્થા છેલ્લાં 27 વર્ષથી કોઈપણ હોદ્દેદારો વગર કાર્યરત છે. 14 માર્ચ, 2026ના રોજ ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષ સ્થાને હતા. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમની શરૂઆતમાં સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પ્રાર્થના બાદ કાર્યકર્તાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. સમાજનાં બાળકો દ્વારા જુદીજુદી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય ભોજન દાતા જિતેન્દ્રકુમાર પીઠિયા, તેજસ્વી તારલાઓના ૧૦ વર્ષના ઇનામ દાતા નીતિનભાઈ ભાટિયા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના ઇનામ દાતા ભરતભાઈ વાઢેરનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ UPSCની પરીક્ષામાં સફળતા મેળવનાર કિશનકુમાર રામ, ગાંધીનગરમાં નિમણૂંક પામેલા IPS અધિકારી વિવેક ભેડા (SP, CID Crime)ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડિપ્લોમા પ્રાપ્ત કરેલા વિધાર્થીઓ પૈકી કુલ ૪૩ તેજસ્વી તારલાઓનું શિલ્ડ/પારિતોષિક તથા પ્રમાણપત્ર આપીને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતુ કે, “કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી અહીં એકત્રિત થયેલ આહિર સમાજને એક તાંતણે બાંધીને સમાજની સંસ્કૃતિ જાળવી રાખવાનું કામ આ સંસ્થા કરી રહી છે. છેલ્લા થોડા વર્ષોથી શિક્ષણની ભૂખ ઉઘડતાં તેના પરિણામ સ્વરૂપ UPSCમાં પાસ થયેલા IPS અધિકારીઓ આપણી સામે છે. વધુને વધુ યુવાઓ આવી પરીક્ષા પાસ કરીને આગળ આવે તેવી આશા વ્યક્ત કરું છું.”