નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહિ

 

નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહિ

 

 

દુનિયાભરની સંસ્કૃતિઓ નદીકિનારે વિકસી છે. નદીનું મૂળ દુર્ગમ પર્વતમાં હોય અને ક્યારેક તો મૂળ ઝરણું કયું છે જેમાંથી આ નદી બને છે તે નક્કી કરવું પણ સરળ ન હોય. આમ છતાંય નદી લોકમાતા કહેવાય છે અને પશુ, પંખીથી માંડી માનવ સૌ માટે ઉપકારક એવું જળ પૂરું પાડે છે.

જળ એ જ જીવન છે અને એટલે નદીને પવિત્ર ગણી છે. એ ક્યાંથી નીકળે છે એ અગત્યનું નથી પણ એ નદી છે અને એ રીતે જીવનને પોષનાર અથવા પાયાની જરૂરિયાત પાણી પૂરું પાડે છે એ કારણથી નદી પૂજાય છે.

ઋષિ બનવું સરળ નથી. કઠિન તપશ્ચર્યા, અતિ સંયમિત જીવન અને રાગદ્વેષ, કામક્રોધ, લોભમોહ, મદ અને મત્સર જેવા માનવ સ્વભાવની સાહજિક નિર્બળતાના દોષ ઉપર વિજય મેળવવો પડે. આવું કર્યા બાદ ઋષિ એ કોઈ વ્યક્તિ કે માણસ નથી રહેતા, ઈશ્વરતુલ્ય બની જાય છે. અને એટલે એની સમગ્ર શકિતઓ અને ગુણોનું ઊર્ધ્વીકરણ થઈ જાય છે, પછી એમનું કુળ પૂછવાનો અર્થ રહેતો નથી. ઊલટાનું ગૌતમ, જમદગ્નિ, અત્રિ, અંગીરસ, ભારદ્વાજ જેવા ઋષિઓના નામે કુળો ઓળખાય છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)