નવી દિલ્હીઃ દેશની ઔષધ નિયામક એજન્સી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોના વાઈરસ રોગચાળાને રોકવા માટે બે રસીને ભારતમાં તાકીદની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાની આજે મંજૂરી આપી છે. આ બે રસી છે પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીઓની કોવેક્સિન. આ બંને રસીઓને નિષ્ણાતોની સમિતિએ બે દિવસ પહેલાં જ મંજૂરી આપી દીધી હતી અને આખરી નિર્ણય DCGI પર છોડવામાં આવ્યો હતો. કોવિશીલ્ડ રસી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપનીના સહયોગમાં પુણેમાં તેની લેબોરેટરીમાં બનાવી છે જ્યારે ભારત બાયોટેક સ્વદેશી ટેક્નોલોજીએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગમાં કોવેક્સીન બનાવી છે.
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ડો. વી.જી. સોમાનીએ અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીઓ ઈમરજન્સી ઉપયોગ માટે સુરક્ષિત છે એવી નિષ્ણાતોની સમિતિએ ભલામણ કરી છે. તે ઉપરાંત કેડિલા હેલ્થકેર કંપનીની કોરોના રસી માટે પણ ભલામણ કરાઈ છે. અમે એના ત્રીજા તબક્કાની અજમાયશ માટે પરવાનગી આપીએ છીએ. કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી બે-ડોઝમાં લેવાની રહેશે.