હિમાચલ પ્રદેશમાં હિમવર્ષામાં ફસાયેલા 500-પર્યટકોને ઉગારવાની કામગીરી

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલુ જિલ્લાના ગિરિમથક મનાલી વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ છે. એને કારણે અટલ ટનલના દક્ષિણ છેડે અને સોલાંગ નાળા વચ્ચેના માર્ગ પર 500થી વધારે પર્યટકો ફસાઈ ગયા છે. એમને ઉગારવા માટે રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી છે. સરકારે અટલ ટનલમાંથી 250 પર્યટકોને આગળ વધવા ન દઈ પાછા મોકલી દીધા છે.

પર્યટકો ફસાઈ ગયાની જાણકારી મળતાં રેસ્ક્યૂ ટૂકડીઓ 20 રેસ્ક્યૂ વાહનો સાથે ગઈ કાલે રાતે લગભગ 8 વાગ્યે ધુંડી સ્થળે પહોંચી ગઈ હતી. તે ઉપરાંત ટેક્સીઓ અને 48-સીટવાળી એક બસને પણ કુલાંગ ખાતે મોકલવામાં આવી છે જેથી બચાવી લેવાયેલા લોકોને તેમાં શિફ્ટ કરી શકાય. કીલોંગ, કાઝા સહિતના વિસ્તારોમાં ખૂબ બરફ પડ્યો છે એને કારણે ઠંડીનું પ્રમાણ સખત રીતે વધી ગયું છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશમાં પહાડી વિસ્તારોમાં પાંચ જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થઈ શકે છે જ્યારે 3-5 જાન્યુઆરી દરમિયાન મેદાન વિસ્તારોમાં તેમજ પહાડોના નીચા ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. વિભાગે આ માટે ‘યેલો વેધર વોર્નિંગ’ ઈસ્યૂ કરી છે.