માગ નહીં સ્વીકારાય તો ખેડૂતો ‘ટ્રેક્ટર પરેડ’ કાઢશે

નવી દિલ્હીઃ ત્રણે કૃષિ કાયદાઓને રદ કરાવવાની માગ સાથે સિંધુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શન શનિવારે 38મા દિવસે પ્રવેશ કર્યો છે. સિંધુની સાથે ટીકરી અને દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનનું સમન્વય કરી રહેલી સાત સભ્યોની સમન્વય સમિતિએ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું.

શનિવારે બપોરે દિલ્હી સ્થિત પત્રકારો વાતચીતમાં ખેડૂત સંગઠનોએ જાહેર કર્યું હતું કે છઠ્ઠી જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. 13 જાન્યુઆરીએ લોહડી-સંક્રાતિના અવસરે દેશભરમાં કિસાન સંકલ્પ દિવસ ઊજવવામાં આવશે અને ત્રણે કાયદાઓને સળગાવવામાં આવશે. એની સાથે 15 જાન્યુઆરી સુધી ભાજપના નેતાઓનો ઘેરાવ કરવામાં આવશે. એ પછી 23 જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝના જન્મદિવસે રાજ્યપાલ ભવન સુધી માર્ચ કાઢવામાં આવશે. એ પછી 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર ખેડૂતોની પરેડ માર્ચ થશે.

સંયુક્ત કિસાન મોર્ચાની આ પત્રકાર પરિષદમાં બીએસ રાજેવાલ, દર્શન પાલ, ગુરુનામ સિંહ, જગજિત સિંહ, શિવકુમાર શર્મા કક્કા અને યોગેન્દ્ર યાદવ સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે જો ચોથી જાન્યુઆરીએ અમારી વાત ના માની તો આંદોલનને તેજ કરવામાં આવશે.

ત્રણે કૃષિ કાયદાઓને પરત લેવાની જીદે ચઢેલા સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનાં ધરણાં શુક્રવારે પણ જારી રહ્યાં હતાં. ખેડૂતોમાં નવા વર્ષના આગમને ના તો ખેડૂતોમાં કોઈ ઉત્સાહ દેખાયો અને ના તો ધરણાં સ્થળે ભીડ નજરે પડતી હતી.