નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામનવમીના અવસરે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગાંઠિલા સ્થિત ઉમિયામાતા મંદિરના 14મા સ્થાપના દિવસ નિમિત્તે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કર્યું હતું. એમણે મા ઉમિયાનાં ભક્તોને અપીલ કરી હતી કે તેઓ નૈસર્ગિક ખેતીવાડી પદ્ધતિ અપનાવે અને ધરતીમાતાને કેમિકલ ખાતરોના ત્રાસમાંથી બચાવે.
મોદીએ એમના સંબોધનમાં કોરોનાવાઈરસ મહામારીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ રોગચાળો હજી સમાપ્ત થયો નથી. તેમણે લોકોને ચેતવણી આપી હતી કે કોરોના બીમારી તેનાં રૂપ અને પ્રકાર સતત બદલતી રહે છે અને ફરીથી ફેલાઈ રહી છે. લોકોએ આ રોગચાળા સામે સતર્ક રહેવાનું છે. આ બહુરૂપિયા રોગચાળો ક્યારે ફરી દેખા દેશે એની ક્યારેય કોઈને ખબર હોતી નથી.