અમિત શાહે ‘નડાબેટ સીમા-દર્શન’ યોજનાનું લોકાર્પણ કર્યું

બનાસકાંઠા (ગુજરાત): ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા નડાબેટમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ લાગુ પડે છે. નડાબેટમાં લશ્કરી થાણું આવેલું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ત્યાં વ્યૂઈંગ પોઈન્ટ (સીમા દર્શન ગેલેરી)નો શુભારંભ કર્યો હતો તથા અન્ય પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સીમા દર્શન માટેનું આ પહેલું જ સ્થળ છે. નડાબેટમાંનું બોર્ડર વ્યૂઈંગ પોઈન્ટ પંજાબમાં વાઘા-અટારી બોર્ડર બાંધવામાં આવેલા વ્યૂઈંગ પોઈન્ટ જેવું જ છે. આ લોકાર્પણ પ્રસંગે અમિત શાહની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે, આ વ્યૂઈંગ ગેલેરીથી લોકોને સરહદ પર આર્મી પોસ્ટ ખાતે જવાનોની કામગીરી નિહાળવાનો મોકો મળશે.

નડાબેટમાં આ સીમા દર્શન બાંધવા પાછળનો સરકારનો હેતુ પર્યટકોને આકર્ષિત કરવાનો છે. આ સ્થળે પર્યટકોને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય નિહાળવા મળશે. આ સ્થળે વિઝિટર્સ ગેલેરી ઉપરાંત ફોટોગેલરી બનાવવામાં આવી છે, શસ્ત્રો અને ટેન્ક મૂકવામાં આવી છે, દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પણ બાંધવામાં આવી છે. દેશ માટે બહાદુરી બતાવનાર અને પોતાના જાનનું બલિદાન આપાનર જવાનોની જીવનગાથા દર્શાવતું એક એક્ઝિબિશન સેન્ટર પણ અહીં છે. એક ઓપન ઓડિટોરિયમમાં બેસીને પર્યટકો-મુલાકાતીઓ સરહદ પર બંને દેશના જવાનો દ્વારા યોજાતી બીટિંગ રીટ્રિટ સેરેમની પણ નિહાળી શકશે.

અમિત શાહે ત્યારબાદ નડાબેટ બોર્ડર આઉટ-પોસ્ટ પર સૈનિક સંમેલનમાં પણ ભાગ લીધો હતો અને સીમા પર ફરજ બજાવતા જવાનોને સંબોધિત કરી એમની સાથે સંવાદ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]