ઈમરાન ખાન પ્રામાણિક છેઃ સિમી ગરેવાલ

મુંબઈઃ પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ વખતે વિપક્ષી સંસદસભ્યોએ બહુમતી સંખ્યામાં મત આપીને વડા પ્રધાન પદેથી ઈમરાન ખાનની હકાલપટ્ટી કરી દીધી છે. સોમવારે દેશને નવા વડા પ્રધાન મળશે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનના આમ છતાં પાકિસ્તાન અને પાકિસ્તાનની બહાર ઘણા પ્રશંસકો છે. એમાં પીઢ બોલીવુડ અભિનેત્રી અને ‘લેડી ઈન વ્હાઈટ’ તરીકે જાણીતાં સિમી ગરેવાલનો પણ સમાવેશ થાય છે. સેલિબ્રિટી ટોક-શો હોસ્ટ સિમીએ આજે કરેલું એક ટ્વીટ સમાચાર બની ગયું છે. એમણે લખ્યું છે કે, ‘વડા પ્રધાન પદ પરથી ઈમરાન ખાનની રવાનગી આ શીખવે છેઃ 1. સંયુક્ત વિરોધપક્ષ કોઈ પણ લોકપ્રિય વડા પ્રધાનને બરતરફ કરી શકે છે. 2. રાજકારણમાં પ્રામાણિક લોકો માટે કોઈ જગ્યા હોતી નથી. (હું ઈમરાન અને એમની પ્રામાણિકતાને 40 વર્ષથી ઓળખું છું.) એમને અન્ય બાબતોમાં કદાચ નિષ્ફળતાઓ મળી હશે, પરંતુ એમાં ભ્રષ્ટાચાર આવતો નથી.’ સિમીએ 2006માં એમનાં ફેમસ ટીવી ટોક-શૉ ‘અ રોન્ડેવૂ વિથ સિમી ગરેવાલ’માં ઈમરાન ખાનનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

ઈમરાન વિશે સિમીએ આ કંઈ પહેલી વાર ટ્વીટ નથી કર્યું. 2018માં જ્યારે ઈમરાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે પણ સિમીએ એક ટ્વીટ કર્યું હતું, પરંતુ એનો વિવાદ થયો હતો. પાછળથી એમણે તે ટ્વીટને ડિલીટ કર્યું હતું. જૂના ટ્વીટમાં સિમીએ લખ્યું હતું, ‘ઈમરાન ખાન તમારા વિજય બદલ હું બેહદ ખુશ થઈ છું. આ ભેળસેળયુક્ત લાગણી છે. ઘણા વર્ષો પહેલાં ઈમરાન ખાને મને કહ્યું હતું કે, એક પીર (મુસ્લિમ સંત)એ એવી આગાહી કરી હતી કે તેઓ એક દિવસ પાકિસ્તાનના વડા પ્રધાન બનશે અને એમની હત્યા કરાશે… એવું લાગે છે કે ઈમરાન ખાને આ જ ઈચ્છ્યું હતું… કોઈ પણ ભોગે.. દુઃખદ બાબત છે.’ સિમીએ બાદમાં નવું ટ્વીટ કરીને ઈમરાન ખાનને અભિનંદન આપ્યાં હતાં. ‘ઈમરાન ખાન તમને અભિનંદન. આજનો દિવસ પ્રાપ્ત કરવા માટે તમે અથાગ મહેનત કરી હતી. નવી કઠિન સફરની આ તો શરૂઆત માત્ર છે. તમને બધે જ સફળતા મળે, તમે સેવેલા સપનાં સાકાર થાય એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. તમે એ કરી શકો છો. અને સંભાળજો.’