નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હાલ જ્યારે આખા દેશમાં 21-દિવસનું લોકડાઉન ઘોષિત કરાયું છે ત્યારે સ્થળાંતરિત મજૂરો-કામદારોની હિલચાલને રોકવા માટે રાજ્ય તથા જિલ્લા સરહદોને અસરકારક રીતે બંધ કરી દેવાની કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સૂચના આપી છે.
કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવો તથા પોલીસ વડાઓ સાથે આજે વિડિયો કોન્ફરન્સ કરી હતી અને એમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી તમામ શહેરોમાં કે હાઈવે ઉપર લોકોની હિલચાલ બંધ થવી જોઈએ.
સરકારી અધિકારીએ કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં માઈગ્રન્ટ કામદારોની આવ-જા જોવા મળી છે. રાજ્યોની તેમજ જિલ્લાઓની સરહદોને અસરકારક રીતે સીલ કરી દેવાના આદેશો આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે શહેરોમાં તેમજ ધોરીમાર્ગો પર લોકોની કોઈ પ્રકારની હિલચાલ દેખાવી ન જોઈએ. માત્ર માલસામાન માટે જ અવરજવર કરવાની પરવાનગી આપવાની.
આ આદેશોનો અમલ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે.
સ્થળાંતરિત મજૂરો-કામદારો સહિત ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને એમના કામકાજના જ સ્થળે ખાવાનું તેમજ આશરો પૂરા પાડવા માટેની પર્યાપ્ત વ્યવસ્થા થવી જોઈએ.