કોણ છે આ પહેલી કોરોના ટેસ્ટિંગ કીટ બનાવનાર મહિલા?

નવી દિલ્હીઃ દેશસેવાની ચાહના વ્યક્તિને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખડે પગે કાર્યરત બનાવી રાખે છે! જેમાં પુનાની મહિલા વાયરોલોજીસ્ટ મીનલને જેટલું બિરદાવીએ તેટલું ઓછું છે. કારણ, તેઓ પોતાની ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો સુધી કોરોના ટેસ્ટીંગ કિટ બનાવવા માટેના પ્રોજેક્ટ પર કાર્યરત હતા!

વાયરોલોજીસ્ટ મીનલ દાખવે ભોંસલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડીસ્કવરી સોલ્યુશન્સમાં કોરોના વાયરસ માટેની ટેસ્ટિંગ કિટ બનાવવા છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી કાર્યરત હતા. તે સમયે તેઓ પ્રેગ્નન્ટ હતા. હમણાં ગયા અઠવાડિયે જ એમણે પુત્રીને જન્મ આપ્યો છે.

પ્રોજેક્ટ પૂરો થતાં જ આપ્યો દીકરીને જન્મ

દેશનું આ પહેલું કોરોના ટેસ્ટિંગ છે. જે વિદેશી કિટના પ્રમાણમાં ઘણું જ સસ્તું છે. પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડીસ્કવરી સોલ્યુશન્સે કોરોના ટેસ્ટીંગ કિટ બનાવવાના પ્રોજેક્ટ પર ગયા ફેબ્રુઆરી મહિનાથી કામ શરૂ કર્યું હતું. તે વખતે મીનલ પ્રેગ્નન્ટ હતા. પણ મીનલ જણાવે છે કે, ‘આ પ્રોજેક્ટ કરવો જરૂરી હતો. એટલે મેં એક પડકાર તરીકે એને મેં સ્વીકાર્યો. મારે મારા દેશની સેવા કરવી છે.’ વધુમાં તેઓ જણાવે છે કે, ‘મારી ટીમમાં દસ સભ્યો હતા. આ દરેકે દરેક સભ્યોએ આ પ્રોજેક્ટ બનાવવા માટે ઘણો જ કઠોર પરિશ્રમ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ કિટને અમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIV)ને 18 માર્ચે સોંપ્યો અને બીજા જ દિવસે મેં પુત્રીને જન્મ આપ્યો.

વિદેશી કિટના પ્રમાણમાં ઘણું જ સસ્તું

દેશનું પહેલું કોરોના વાયરસ કિટ ગુરુવારે બજારમાં આવી ગયું છે. આ ટેસ્ટ કિટથી કોરોનાથી સંક્રમિત લોકોની તપાસ વધુ ઝડપી બનશે. એક અંગ્રેજી દૈનિકને મિનલે જણાવ્યું કે, ‘અમારું કિટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટનું પરિણામ આપી દે છે ત્યારે વિદેશી કિટને છથી સાત કલાક લાગે છે. દરેક માઈલેબ કીટ સો જેટલા ટેસ્ટ કરી શકે છે. દરેક ટેસ્ટની કિંમત માત્ર 1,200 રૂપિયા છે. જે વિદેશી ટેસ્ટ કરતાં પા ભાગ જેટલો ખર્ચ છે. વિદેશી ટેસ્ટિંગના 4,500 રૂપિયા થાય છે.

દરરોજ બને છે 15000 કિટ

માઈલેબ ડીસ્કવરી સોલ્યુશન્સ દરરોજની 15000 ટેસ્ટીંગ કિટ મ બનાવવાની ક્ષમતા છે. પૂના માં આવેલી લોનાવાલાની ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવે તો દરરોજ 25,000 કીટ બનાવી શકાય છે. તેમની કિટના પહેલા બૅચમાં પૂના, મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગલુરુના ડાયગ્નોસ્ટિક લેબમાં પ્રત્યેકને ૧૫૦ જેટલાં કિટ મોકલ્યા છે. સોમવાર સુધીમાં કીટ નો બીજો બૅચ પણ પહોંચી જશે.

શરૂઆતમાં સરકારે આ વાયરસની તપાસ વિદેશથી આવેલા અમુક લોકો માટે જ મર્યાદિત રાખી હતી. પરંતુ હવે સરકારે નિર્ણય બદલ્યો છે અને શ્વાસને લગતી ગંભીર સમસ્યા વાળા દર્દીઓને પણ કોરોના વાયરસની તપાસ કરવી જરૂરી બનાવી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]