નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એમના નિવાસસ્થાનની બહાર કથિતપણે ભાજપની યુવા પાંખના સભ્યોએ ગઈ કાલે કરેલા હુમલા અને સંપત્તિની કરેલી તોડફોડ વિશે આજે કહ્યું કે, દેશની સૌથી મોટી પાર્ટી ગૂંડાગીરી પર ઉતરે તો એનાથી ખોટો દાખલો બેસે અને આવી પરિસ્થિતિમાં દેશ પ્રગતિ કરી ન શકે. કેજરીવાલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ નહીં, પરંતુ દેશ મહત્ત્વનો છે. દેશ માટે હું મારો જાન પણ કુરબાન કરી શકું છું. આવી ગૂંડાગીરી હોય તો દેશ પ્રગતિ કરી ન શકે. દેશની સૌથી મોટી પાર્ટી, જે કેન્દ્રમાં સત્તા પર છે, તે આવી ગૂંડાગીરી કરાવે છે. જનતાને આનાથી એક ખરાબ સંદેશનો પ્રસાર કરશે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે કરેલી ટિપ્પણી સામેના વિરોધમાં ભાજપની યુવા પાંખના સભ્યોએ ગઈ કાલે બપોરે એમના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ ગઈ કાલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલની હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું છે, કારણ કે ચૂંટણીમાં તે આમ આદમી પાર્ટીને હરાવી શકી નથી. ભાજપે જોકે સિસોદીયાના આરોપને નકારી કાઢ્યો છે. દિલ્હી પોલીસે કેજરીવાલના નિવાસ ખાતે તોડફોડના ગુનાસર આઠ જણને અટકમાં લીધા છે.