પેન-આધાર લિન્કિંગની મુદત 31 માર્ચ, 2023 સુધી વધારાઈ

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી વધારી દીધી છે. જોકે આ સમયમર્યાદા આજે પૂરી થતી હતી. પેન કાર્ડ અને આધાર કાર્ડને 31 માર્ચ, 2022 પછી લિન્ક કરવાથી રૂ. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. પહેલી એપ્રિલ, 2022થી ત્રણ મહિના સુધી પેન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો આપવાથી રૂ. 500નો દંડ અને એ પછી રૂ. 1000ના દંડની જોગવાઈ હતી.

મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે 31 માર્ચ ,2023 સુધી પેન કાર્ડધારકોએ તેમના કાર્ડને આધાર સાથે લિન્ક નહીં કર્યું તો કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું જારી રહેશે, જેથી તેઓ ITR ફાઇલ નહીં કરી શકે અને તેમના રિફંડની કાર્યવાહી પણ અટકશે.

સરકારના ડેટા મુજબ 24 જાન્યુઆરી, 2022 સુધી દેશમાં 43.34 કરોડ પેન કાર્ડને આધાર કાર્ડથી લિન્ક કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 131 કરોડ આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે. પેન-આધાર લિન્ક કરવાથી ડુપ્લિકેટ રેન જારી થવાની અને ટેક્સચોરીમાં ઘટાડો થશે.

એક વાર પેન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો તમને નાણાકીય લેવડદેવડ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. (મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં પેન કાર્ડનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે). ઉચ્ચ દરોએ TDS અને કલમ 272B હેઠળ દંડ લગાવવામાં આવશે, જે લોકો ઇન્કમ ટેક્સ પોર્ટલ નથી ખોલી શકતા અથવા એનાથી માહિતગાર નથી તેમના માટે લિન્કિંગ પ્રક્રિયા SMSના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.