પેટા ચૂંટણીનાં પરિણામોઃ NDAને આંચકો, ઇન્ડિયા ગઠબંધનનો સપાટો

નવી દિલ્હીઃ સાત રાજ્યોમાં 13 વિધાનસભાની સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ભાજપના નેતૃત્વાવાળા NDA ગઠબંધનને માત્ર બે સીટો પર જીત હાંસલ થઈ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધને સપાટો બોલાવ્યો છે. ઇન્ડિયા ગઠબંધનને ફાળે 10 બેઠકો ગઈ છે, જ્યારે એક સીટ અપક્ષને ફાળે ગઈ છે.  ભાજપે જે બે સીટો પર જીત હાંસલ કરી છે, એમાં હિમાચલ પ્રદેશની હમીરપુર અને મદ્ય પ્રદેશની અમરવાડા સીટ છે. આ બંને સીટો પર ભાજપની જીતનું અંતર બહુ ઓછું છે.

દેશનાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયા છે. આ પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ માત્ર બે બેઠકો જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસ અને TMCને 4-4 બેઠકો મળી છે. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તો બિહારની રૂપૌલી વિધાનસભા બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે.હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ત્રણમાંથી બે બેઠકો જીતી છે. દેહરા સીટ પરથી મુખ્ય મંત્રી સુખુનાં પત્નીએ 9399 મતોથી ચૂંટણી જીતી હતી.

TMCએ રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું છે. રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા બેઠકો પર TMCના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે.જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે બીજેપીની શીતલ અંગુરાલને લગભગ 37, 000 મતોથી હરાવ્યા છે. બિહારની રૂપૌલી સીટ પર મોટો અપસેટ થયો છે, અહીં JDU અને RJD જેવી પાર્ટીઓને પાછળ છોડીને અપક્ષ ઉમેદવાર શંકર સિંહની જીત થઈ છે. જ્યારે તામિલનાડુની વિકરાવંડી સીટ પર  DMKએ જીત મેળવી છે, જ્યારે મધ્ય પ્રદેશની અમરવાડા સીટ પર  ભાજપના કમલેશ શાહની જીત થઈ છે.

ચૂંટણી પંચે બિહાર, તામિલનાડુ અને મધ્ય પ્રદેશની એક સીટ, ઉત્તરાખંડની બે સીટ, હિમાચલ પ્રદેશની ત્રણ સીટો અને ઉત્તરાખંડની ચાર સીટો પર 10 જુલાઈએ પેટા ચૂંટણી કરાવી હતી.