આતિશી, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા પણ જેલ જશેઃ મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીની કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ પત્રકાર પરિષદ કરીને ભાજપની કેન્દ્ર સરકાર અને ED પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે ભાજપ તરફથી તેમને પાર્ટીમાં સામેલ થવાની ઓફર મળી છે. એ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપમાં સામેલ ના થવા પર તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવશે. એ સાથે તેમણે દાવો કર્યો છે કે ED હવે તેમની સાથે-સાથે સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે મને મારા નજીકના વ્યક્તિ દ્વારા ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આગામી થોડા દિવસોમાં વધુ કેટલાક AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે. વડા પ્રધાન અને ભાજપે તેમનું મન બનાવી લીધું છે કે તેઓ આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને ખતમ કરવા માગે છે. આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ, હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે.

દિલ્હી સરકારની મંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં મારા ઘરે અને મારા સંબંધીઓના સ્થળો પર દરોડા પડી શકે છે અને તે પછી ઈડી દ્વારા અમને નોટિસ મોકલવામાં આવશે અને બાદમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ભગત સિંહના શિષ્ય છીએ અને આ સરકારથી ડરતા નથી. જોકે ઈડીના દાવા મુજબ, કેજરીવાલે વિજય નાયર વિશે કહ્યું હતું કે તે મારો માણસ છે, તેના પર વિશ્વાસ કરો. ઈડીએ દાવો કર્યો હતો કે આ ષડયંત્ર વિજય નાયર અને અન્ય કેટલાક લોકોએ સાઉથ ગ્રુપ સાથે મળીને આચર્યું હતું અને વિજય નાયર મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા માટે કામ કરતો હતો