એસ્ટ્રાઝેનેકા કોરોના-વિરોધી રસી સુરક્ષિત છેઃ નીતિ આયોગ

નવી દિલ્હીઃ ભારતમાં સરકાર સંચાલિત કોવિડ-19 રસીકરણ કેન્દ્રોમાં અને ખાનગી હોસ્પિટલો દ્વારા નાગરિકોને અપાતી કોરોના વાઈરસ-વિરોધી એસ્ટ્રાઝેનેકા નિર્મિત કોવિશીલ્ડ રસી લેવાથી લોહીમાં ગઠ્ઠા જામતા હોવાના અહેવાલોને નીતિ આયોગના એક સભ્યએ નકારી કાઢ્યા છે. વી.કે. પૌલે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી લેવાથી લોહી જામી જતું હોવાની દહેશત મામલે ચિંતાના કોઈ સંકેત મળ્યા નથી. એમણે વધુમાં કહ્યું કે, યૂરોપના 10 દેશોએ એસ્ટ્રાઝેનેકા રસીકરણ કાર્યક્રમ અટકાવી દીધો છે. યૂરોપીયન મેડિકલ એજન્સીએ કહ્યું છે કે આ સાવચેતીનું પગલું છે અને હજી કોઈ ડેટા-મૂલ્યાંકન કરાયું નથી. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે આ સંદર્ભમાં આપણે ચિંતા કરવા જેવું કંઈ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો ઉપયોગ બંધ કરવાનું કોઈ કારણ જ નથી.

દરમિયાન, બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને પણ આજે જાહેર કર્યું છે કે પોતે ટૂંક સમયમાં જ એસ્ટ્રાઝેનેકા રસી લેશે. આ રસી સુરક્ષિત છે અને ઘણું જ સરસ રીતે કામ કરી રહી છે.