નવી દિલ્હીઃ મહારાષ્ટ્રનું રાજકીય સંકટ સતત ઘેરાતું જાય છે. શિવસેના પછી હવે NCP બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. કેટલાક દિવસો પહેલાં જ શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને નબળા નેતા જણાવ્યા હતા અને પાર્ટીમાં બળવાખોર નેતાઓની ઓળખ કરવામાં નિષ્ફળ ગણાવ્યા હતા. જોકે હવે તેઓ ખુદ ઘેરાઈ ગયા છે. શરદ પવાર અને અજિત પવાર –બંને NCP પર પોતપોતાની દાવેદારી રજૂ કરવાની ફિરાકમાં પડ્યા છે. શરદ પવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બોલાવી છે. આ બેઠકમાં જયંત પાટિલ, સુપ્રિયા સુળે અને જિતેન્દ્ર આવ્હાડ સહિત NCPના લોકસભા અને રાજ્યસભાના સાંસદ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અજિત પવાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થવાની શક્યતા છે. જોકે આ બેઠકને અજિત પવાર જૂથે ગેરકાયદે ગણાવી હતી.
મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન બનેલા અજિત પવારે 40 વિધાનસભ્યોના અને સાંસદોના ટેકાની સાથે NCPના નામ અને પ્રતીક પર દાવો રજૂ કર્યો છે. અજિત પવાર જૂથે બધા વિધાનસભ્યોવાળા હસ્તાક્ષર કરેલા ચૂંટણી પંચને સોંપી દીધા છે. ત્યાર બાદ તેમને મુંબઈની એક હોટેલમાં રાખવામાં આવ્યા છે.
બીજી બાજુ મુંબઈમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. મહારાષ્ટ્ર કોર કમિટીએ મુંબઈમાં એક બેઠક કરી હતી, જેમાં ભૂતપૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણે NCPના રાજકીય કૌશલ પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે કદાચ, પવારે પાર્ટીના સંચાલનમાં ભૂલો કરી હશે, જને પગલે પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આટલું જ નહીં, ચવ્હાણે શરદ પવાર પર પુત્રી મોહનો આરોપ પણ લગાવ્યો છે.