મારી સેલરીમાંથી ₹ 2.75 લાખ ટેક્સ કપાય છેઃ રાષ્ટ્રપતિ

કાનપુરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસના પ્રવાસે કાનપુરમાં છે. કાનપુર પહોંચતા પહેલાં ઝીંઝકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને જણાવ્યું હતું કે સૌથી વધુ રૂ. પાંચ લાખ સેલરી દેશના રાષ્ટ્રપતિને મળે છે. તેમણે કહ્યું હતું કે બધા જાણે છે અને કહેવામાં કંઈ ખોટું નથી. રાષ્ટ્રપતિ દેશના સૌથી વધુ સેલેરી લેતા કર્મચારી છે અને તેઓ પણ ટેક્સ ભરે છે. અમે પણ પ્રતિ મહિને રૂ. પોણા ત્રણ લાખ ટેક્સ ભરીએ છીએ, પણ કોઈ કહેશે કે તમને તો પ્રતિ મહિને રૂ. પાંચ લાખ સેલરી મળે છે. એની ચર્ચા બધા કરે છે. એમાં પ્રત્યેક મહિને રૂ. 2.75 લાખ ટેક્સમાં જાય છે. તો બચ્યા કેટલા? અને જે બચ્યા એનાથી વધુ તો અમારા અધિકારીઓ અને અન્યોને મળે છે, જે ટીચર્સ બેસ્યા છે, એ બધાને વધુ મળે છે. આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું, કેમ કે જે ટેક્સ ભરે છે, એનાથી તો વિકાસ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ગામ પહોંચ્યા હતા. તેમણે ગામની માટીને નમીને માથે લગાડીને સન્માન આપ્યું હતું. વર્ષ 2017માં રાષ્ટ્રપતિ બન્યા પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે કોવિંદ પોતાના પૈતૃક ગામે ગયા હોય.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાજા એક્સપ્રેસથી પ્રવાસ કરી રહ્યા હતા. કાનપુરદેહાત જિલ્લાના ઝીઝક રેલેવે સ્ટેશન પર રાષ્ટ્રપતિની સ્પેશિયલ ટ્રેન પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014માં બિહારના ગર્વનર બન્યા પહેલાં સુધી તેમણે ટ્રેનની યાત્રા નહોતી કરી.  હું રાજકીય વાત નથી કરતો. હું સરકારી પદે છું. મારા માટે બધા રાજકીય પક્ષો એકસમાન છે.