…નહીં તો ફરી લોકડાઉન લાગુ કરાશેઃ ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દેશભરમાં લોકડાઉનનો પાંચમો તબક્કો ચાલુ છે. પરંતુ એને હળવું કરીને સરકારે અનલોક-1 શરૂ કર્યું છે, જે અંતર્ગત અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. લોકડાઉનની શરૂઆતના અનેક નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે.

પરંતુ, આ અનલોક થતાવેંત મુંબઈના રસ્તાઓ પર, બજારોમાં લોકોની મોટી ભીડ જમા થવા લાગી છે. જો આ રીતે ગીરદી ચાલુ રહેશે તો નાછૂટકે ફરી લોકડાઉન લાગુ કરવું પડશે, એવી ચેતવણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે આપી છે.

પત્રકાર પરિષદમાં ઠાકરેએ કહ્યું કે લોકડાઉનને ધીમે ધીમે હટાવી લેવામાં આવનાર છે. કોરોના વાઈરસ બીમારીનું સંકટ હજી ટળ્યું નથી. તેથી કારણવગર લોકોએ ગીરદી કરવી નહીં. મોર્નિંગ વોક કરવા માટે લોકો ગીરદી ન કરે. ગીરદી નહીં થાય એની કાળજી લોકોએ જ લેવાની છે.

મહારાષ્ટ્ર રાજ્યની જનતા સરકારનું સાંભળે છે. સરકાર પણ જનતાના હિતમાં હોય એવા જ પગલાં ભરે છે. અત્યાર સુધી જનતા તરફથી સરકારને સારો સહકાર મળ્યો છે. એને ધ્યાનમાં રાખીને જ જનતા હવે પછી પણ સરકારે જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરશે એવો મને વિશ્વાસ છે, એમ ઠાકરેએ વધુમાં કહ્યું.

ઠાકરેએ આ ચેતવણી બિઝનેસ એડવાઈઝરી કમિટી સાથેની બેઠક બાદ આપી હતી.

એમણે કહ્યું કે કોરોનાનો ખતરો હજી યથાવત્ છે, પરંતુ આપણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની પણ જરૂર પડી છે. જનતાના સારા આરોગ્યને ખાતર જ સરકારે આઉટડોર કસરત, મોર્નિંગ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપી છે, નહીં કે આરોગ્ય બગાડવા માટે.

ઠાકરેએ એમ પણ કહ્યું કે મુંબઈમાં લોકો આવશ્યક સેવા અને ફરજ માટે હાજર થઈ શકે એટલા માટે ઉપનગરીય ટ્રેનસેવા ફરી શરૂ કરવાની પણ પોતે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે.

દેશમાં કોરોના વાઈરસના કેસો અને મૃત્યુના આંકડાની દ્રષ્ટિએ સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 90,787 કેસો નોંધાયા છે અને 3,289 જણ આ બીમારીથી મરણ પામ્યા છે. કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર રાજ્યએ ચીનને પણ પાછળ પાડી દીધું છે, જ્યાં કોરોનાના 83,046 કેસો નોંધાયા છે.

મુંબઈમાં આ રોગને કારણે જેટલા કેસ થયા છે એ ચીનના વુહાન કરતાં 700 વધારે છે. દુનિયાનો પહેલો કોરોના કેસ વુહાનમાં ગયા વર્ષના ડિસેંબરમાં નોંધાયો હતો. આમ, એ શહેર કોરોના રોગચાળાનું કેન્દ્રબિંદુ બન્યું છે.