મુંબઈ અનલોક થયું, કચરો વધવા માંડ્યો

મુંબઈઃ કોરોના વાઈરસ ચેપ લાગવાનું શરૂ થયા બાદ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એવા 4 લોકડાઉનનો દેશવાસીઓએ સામનો કરવો પડ્યો છે. આખરે અઢી મહિના કરતાંય વધારે સમય બાદ પાંચમા લોકડાઉનમાં, કેન્દ્ર સરકારે કેટલીક છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે. એને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે.

છૂટછાટો મળતાં જ લોકો મોટી સંખ્યામાં ફરી બહાર પડવા માંડ્યા છે. વાહનોની સંખ્યા પણ અનેક ગણી વધી ગઈ છે. સાથોસાથ, રસ્તાઓ પર કચરાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે.

લોકડાઉન સંપૂર્ણ લાગુ હતું ત્યારે મુંબઈમાં પ્રતિદિવસ 3 હજાર મેટ્રિક ટન જેટલો કચરો શહેરમાં જમા થતો હતો જે અનલોક-1 બાદ વધીને પાંચ હજાર 400 મેટ્રિક ટનના આંકે પહોંચી ગયો છે.

આ ઉપરાંત હોસ્પિટલો તથા પ્રતિબંધિત ક્ષેત્રો (કન્ટેનમેન્ટ ઝોન)માં રોજ આશરે 16.7 મેટ્રિક ટન કચરો જમા થાય છે જેનો નિકાલ મહાનગરપાલિકા અલગ રીતે કરી રહી છે.

સામાન્ય દિવસોમાં મુંબઈમાં દરરોજ 7 હજાર મેટ્રિક ટન કચરો ભેગો થતો હતો. પરંતુ કોરોના મહાબીમારીએ પ્રવેશ કર્યા બાદ અને તાળાબંધી લાગુ કરાતા મુંબઈના રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. માત્ર જીવનાવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે જ નાગરિકો ઘરની બહાર નીકળતા હતા. એને લીધે રસ્તાઓ પર કચરાનું પ્રમાણ સાવ ઘટી ગયું હતું.

પરંતુ હવે જેવું લોકડાઉન થોડુંક હળવું કરવામાં આવ્યું છે ત્યારે કચરાનું પ્રમાણ એકદમ વધીને પાંચ હજાર 400 ટન વધી ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]