કોરોના આપત્તિને અવસરમાં બદલી નાખોઃ મોદીની કોર્પોરેટ જગતને અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના 95મા વાર્ષિક દિવસના પ્રસંગે ઉદઘાટન ભાષણ આપ્યું હતું. આમાં ચર્ચાનો વિષય રોગચાળો અને એનાથી ઊભા થતા પડકારો હતા. આ દરમ્યાન તેમણે વિવેકાનંદનું આહવાન કર્યું હતું અને આત્મનિર્ભર ભારત માટે ભાર આપતાં બંગાળના વેપાર પુનરુદ્ધાર વિશે વાત કરી હતી. તેમણે પડકારોને અવસરમાં બદલવાની વાતને દોહરાવી હતી. આ ટર્નિંગ પોઇન્ટ છે. વડા પ્રધાને કહ્યું હતું કે ભારતીયોએ અર્થતંત્રને ‘કમાન્ડ એન્ડ કન્ટ્રોલ’માંથી બહાર કાઢવાનું છે અને ‘પ્લગ એન્ડ પ્લે’ તરફ લઈ જવાનું છે.

 આ સમય ટાઇમ એક બોલ્ડ ડિસિઝન અને બોલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ રૂઢિવાદી દ્રષ્ટિકોણનો સમય નથી. આ ટાઇમ એક બોલ્ડ ડિસિઝન અને બોલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો છે. ઉદ્યોગોને પોતાની ભૂમિકા નિભાવવાનો આગ્રહ કરતાં તેમણે કહ્યું હતું કે આ વિશ્વ સ્તરે પ્રતિસ્પર્ધી ઘરેલુ પુરવઠાની શૃંખલાને તૈયાર કરવાનો સમય છે. આપણે ઉત્પાદન ક્ષેત્રમાં બંગાળને મજબૂત કરવાનું છે. આપણે કાયમ સાંભળેલું છે કે બંગાળ જે આજે વિચારે છે, એ જ ભારત કાલે વિચારે છે. આપણે એનાથી પ્રેરણા લેવાની છે અને આગળ વધવાનું છે.

આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભરતાનો ભાવ

તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભરતાનો આ ભાવ વરસોથી દરેક ભારતીયએ એક એસ્પિરેશન તરીકે જીવ્યો છે. પાછલાં 5-6 વર્ષોમાં દેશની નીતિ અને રીતિમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે. હવે કોરોના સંકટે આપણને એની ઝડપ તેજ કરવાનો પાઠ ભણાવ્યો છે. દરેક એ ચીજવસ્તુ –જેની આયાત કરવા માટે દેશ મજબૂર છે, એ દેશમાં જ કેવી રીતે બને અને એ ચીજવસ્તુની ભારતમાંથી નિકાસ કેવી રીતે થાય –એ દિશામાં આપણે ઝડપથી કામ કરવાનું છે.

LED બલ્બના ઉપયોગથી રૂ. 19,000 કરોડની બચત

તેમણે કહ્યું હતું કે LED બલ્બના ઉપયોગથી રૂ. 19,000 કરોડની બચત થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગને લાભ થયો છે. પ્લાનેટને પણ લાભ થયો છે. ચાર કરોડ CO2નો ઉપયોગ ઓછો થયો છે.