રાહતના સમાચારઃ ભારતમાં કોરોનાનો ફેલાવો, મૃત્યુદર ઓછો

નવી દિલ્હીઃ દેશના 83 જિલ્લાઓમાં 0.73 ટકા વસતિ જ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ છે. સૌથી સારી વાત એ છે કે ભારતમાં કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે સર્વેનાં પરિણામોની માહિતી આપતાં કહ્યું હતું કે ભારતમાં પ્રતિ લાખની વસતિને આધારે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. જોકે આ લોકડાઉનના પાંચ-છ સપ્તાહ પછી 30 એપ્રિલ સુધીની સ્થિતિ છે.

મોટી વસતિ પર સંક્રમણનો ખતરો

તેમણે કહ્યું હતું કે દેશની મોટી વસતિ પર હજી પણ ખતરો ઝળૂંબી રહ્યો છે, એટલા માટે કે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોની તુલનાએ શહેરી ક્ષેત્રોમાં 1.09 અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 1.89 ગણું જોખમ છે. આવામાં આપણે સારવાર અને દવાઓ અને અન્ય બચાવ સાવધાની વર્તવા પર ભાર આપવો પડશે.  શહેરોના સ્લમ એરિયામાં સંક્રમણનું જોખમ સૌથી વધુ છે. રાજ્ય સરકારોએ સ્થાનિક સ્તરે લોકડાઉન લાગુ જારી રાખવું પડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં સંક્રમણનું સ્તર સૌથી વધુ છે, એમ તેમણે કહ્યું હતું.

સિરો સર્વેથી મળી મહત્ત્વની જાણકારી

ડો. ભાર્ગવે સિરો સર્વે વિશે જણાવતાં કહ્યું હતું કે આનાથી કેટલીક મહત્ત્વની માહિતી મળી છે. સિરો સર્વે (sero survey)માં આમ આદમીની એન્ટિ બોડીની તપાસ કરવામાં આવે છે. આની તપાસ માટે લોકોનાં બ્લડ સેમ્પલ લઈને lgG એન્ટિબોડીઝની તપાસ થાય છે. જો કોઈ વ્યક્તિ lgG પોઝિટિવ છે તો એનો અર્થ એ થયો કે સાર્સ-કોવ-2થી સંક્રમિક થઈ હતી, એમ તેમણે કહ્યું હતું.

ડો. ભાર્ગવે કહ્યું હતું કે આ સર્વેથી માલૂમ પડ્યું હતું કે કુલ કેટલી ટકા વસતિ આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂકી છે? કઈ-કઈ વ્યક્તિમાં સંક્રમણનું સૌથી વધુ જોખમ છે? કયા-કયા વિસ્તારોમાં બચાવના પ્રયાસોને વધારવાની જરૂર છે?

 83 જિલ્લાઓના 26,400 લોકો પર સર્વે

તેમણે કહ્યું છે કે આ સર્વે માટે દેશના 83 જિલ્લાઓના 28,595 ઘરોની તપાસ કરી અને 26,400 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે આ જિલ્લાઓમાં 0.73 ટકા લોકોમાં જ સંક્રમણના પુરાવા મળ્યા. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ છે કે લોકડાઉનની સકારાત્મક અસર એ થઈ છે કે વાઇરસના સંક્રમણને ઝડપથી ફેલાવા પર અટકાવવામાં મદદ મળી છે.

તેમણે કહ્યું છે કે આના બે પાસાં છે- એક તો એ હજી પણ મોટી વસતિ પર વાઇરસના સંક્રમણનું જોખમ ઝળૂંબી રહ્યું છે, પણ બીજું પાસું છે કે આ સર્વેમાં જે 26,400 લોકોને સામેલ કર્યા છે, એમાં 0.08 ટકાનાં મૃત્યુ થયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]