મુંબઈઃ ઓફિસોનો સમય અલગ અલગ રાખવાનું BESTનું સૂચન

મુંબઈઃ કોરોનાવાઈરસ લોકડાઉનના પાંચમા તબક્કામાં અપાયેલી વિવિધ છૂટછાટો માટે ‘અનલોક’ નામ આપવામાં આવ્યું છે. આવા ‘અનલોક’નો હાલ પહેલો તબક્કો ચાલે છે. તે અંતર્ગત મુંબઈમાં BEST કંપની તરફથી એવી માગણી કરવામાં આવી છે કે બસ સ્ટોપ ખાતે લોકોની ખૂબ ભીડ જામતી હોવાથી કોરોનાને દૂર રાખવા માટે ઘડાયેલો સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ જળવાતો નથી તેથી ખાનગી ઓફિસો એક સામટો નહીં, પણ અલગ અલગ સમય રાખે.

ભાયંદરમાં BESTની બસ માટે 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હોવાનો વિડિયો તેમજ એક બસની અંદર ચડવા માટે માસ્કધારી લોકોએ રાબેતા મુજબની કરેલી ધક્કામુક્કીના વિડિયો હાલ ઈન્ટરનેટ પર ફરી રહ્યા છે. એવી અનેક તસવીરો પણ વાઈરલ થઈ છે. બસની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું કોઈ પાલન થઈ શકતું નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મુંબઈમાં મહાનગરપાલિકા સંચાલિત BEST કંપનીએ 8 જૂનથી 2,200 બસો દોડાવવાનું શરૂ કર્યું છે. તેના કુલ બસકાફલાનો આ આશરે 63 ટકા હિસ્સો ગણી શકાય.

લોકડાઉનને અનલોક કરતી વખતે સરકારે એવી જાહેરાત કરી હતી કે એક BEST બસમાં માત્ર 30 જણ જ બેસી શકશે અને માત્ર પાંચ જણને ઊભા રહીને પ્રવાસ કરવાની પરવાનગી અપાશે. એક સીટ પર માત્ર એક જ પેસેન્જરને બેસવા દેવામાં આવશે. પરંતુ ઘણા વિસ્તારોમાં આવા નિયમની ઐસીતૈસી કરી દેવાયાનું જોવા મળ્યું છે.

અમુક બસોમાં કંડક્ટરો પણ ફેસ-શિલ્ડ વગર જોવા મળ્યા હતા.

હાલ ખાનગી ઓફિસોને ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે BESTની બસોને મુંબઈમાં તમામ માર્ગો પર તેમજ પડોશના પાલઘર જિલ્લાના વિરાર સુધી, થાણે જિલ્લાના બદલાપુર સુધી અને રાયગડ જિલ્લાના પનવેલ સુધી દોડાવવામાં આવે છે.

નાગરિકોની ફરિયાદ છે કે BESTની બસો સમયસર આવતી નથી અને એમને કલાકો સુધી બસ સ્ટોપ પર ઊભા રહેવું પડે છે. એને કારણે એમને નાછૂટકે પાછા ઘેર જતા રહેવું પડે છે.

આ પરિસ્થિતિને કારણે BEST કંપનીએ એવી અપીલ કરી છે કે ખાનગી ઓફિસો એમના સમયમાં ફેરફાર કરે. બધી ઓફિસો એક સરખો સમય ન રાખી અલગ અલગ રાખે જેથી બસ સ્ટોપ પર લોકોની ભીડ ન થાય અને BEST કંપની ભીડને સંભાળી શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]