દિલ્હીના CM કેજરીવાલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેજરીવાલે મામૂલી તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ પછી સોમવારે ખુદને ક્વોરોન્ટાઇન કરી આજે સવારે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે સાંજે નેગેટિવ આવ્યો હતો. 51 વર્ષીય કેજરીવાલ રવિવારે અસ્વસ્થ થયા હતા અને એ પછી તેઓ કોઈને પણ મળ્યા નહોતા. તેમણે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ખુદને આઇસોલેટ કરી લીધા હતા, એમ આમ આદમી પાર્ટીના (AAP) વિધાનસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું. તેમને તાવ હતો અને ગળામાં બળતરા થતી હતી. રાઘવે કહ્યું હતું કે મોટી ચિંતા એ પણ છે કે કેજરીવાલને ડાયાબિટીસ પણ છે.

મુખ્ય પ્રધાને રવિવારે સવારે પોતાના પ્રધાનમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. સોમવારે ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તબિયત ઠીક નથી. તેમને તાવ અને ગળામાં કફ છે. જેથી તેઓ કોઈ બેઠક પણ નથી કરી રહ્યા.

કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ, કેન્દ્ર માનવા તૈયાર નહીં

દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને કોરોના કેસ હવે 30,000ની નજીક પહોંચી ગયા છે. દિલ્હીમાં પાછલા કેટલાક દિવસોથી પ્રતિ દિન 1000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને મંગળવારે કહ્યું હતું કે અમે આશા કરીએ છીએ કે ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડો 15 દિવસો સુધી દર્દીઓ માટે પર્યાપ્ત રહેશે, પણ કોવિડ-19 દર્દીઓ માટે આરક્ષિત મોટા ભાગના બેડ 4-5 દિવસોમાં જ ભરાઈ ગયા. તેમણે કહ્યું હતું કે દિલ્હીના એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વાઇરસના કોમ્યુનિટી સ્પ્રેડ હોવાની વાત કહી છે, પણ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આનો સ્વીકાર નથી કર્યો.

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આપસના રાજકીય મતભેદો ભૂલી જઈને કેજરીવાલને તેઓ સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]