મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એટલે કે મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષની 31 ડિસેમ્બર સુધી શહેરમાં તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે શાળાઓમાં 9થી 12 ધોરણના વર્ગો, તેમજ જૂનિયર કોલેજોના વર્ગો 23 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ હવે એ નિર્ણય બદલવામાં આવ્યો છે.
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે શહેરમાં કોરોના વાઈરસ બીમારીના કેસ વધી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેડણેકરે એમ પણ કહ્યું છે કે શહેરમાં હાલના સંજોગોમાં લોકલ ટ્રેન સેવા જાહેર જનતા માટે ફરી શરૂ કરવી ન જોઈએ એવું તેમનું માનવું છે.
મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં જોકે રાજ્ય સરકારના ‘અનલોક-5’ મિશન અંતર્ગતના આદેશાનુસાર, 23 નવેમ્બરથી શાળાઓમાં 9-12 ધોરણો અને જુનિયર કોલેજોના વર્ગો ફરી શરૂ કરવામાં આવશે.
