મહારાષ્ટ્રમાં લોકડાઉનનો નિર્ણય આગામી 8-10 દિવસોમાં લેવાશે

પુણેઃ મહારાષ્ટ્રમાં તાજેતરમાં તહેવારોની મોસમ દરમિયાન લોકોના મોટા ટોળા જોવા મળ્યા હોવાને કારણે રાજ્યમાં કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન આગામી દિવસોમાં લાગુ થવાનો સંકેત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે આપ્યો છે. એમણે કહ્યું કે દિવાળી અને ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન મોટા ટોળા જોવા મળ્યા હતા. હવે એવી આગાહી કરાઈ છે કે કોવિડ-19ની બીજી લહેર આવી શકે છે. અમે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમે આગામી 8-10 દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને લોકડાઉન વિશેનો નિર્ણય લઈશું. મહારાષ્ટ્રમાં ગઈ કાલે શનિવારે કોવિડ-19ના નવા 5,760 કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 17.74 લાખ થઈ છે.

પવારે આ સંકેત આજે પુણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આપ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાના કેસો વધી ગયા બાદ ત્યાંથી મહારાષ્ટ્રમાં આવતી અને અહીંથી દિલ્હી તરફની ટ્રેન તથા વિમાન સેવાઓને સસ્પેન્ડ કરવા પણ રાજ્ય સરકાર વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે પવારે ઉપર મુજબ નિવેદન કર્યું છે.

મુંબઈમાં કોરોનાના કેસો વધી જતાં મહાનગરપાલિકાએ શાળાઓમાં 9-12 ધોરણો અને જુનિયર કોલેજના વર્ગોને 31 ડિસેમ્બર સુધી બંધ જ રાખવાનો નિર્ણય લીધો છે. મુંબઈ શહેરમાં કોરોનાના નવા 1,093 કેસ નોંધાયા હતા. એ સાથે જ કુલ કેસોની સંખ્યા 2,74,579 પર પહોંચી છે. નવા 17 મરણ સાથે કુલ મરણાંક વધીને 10,656 થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]