દુકાનદારને દુકાનના નામમાં ‘કરાચી’ શબ્દ ઢાંકવો પડ્યો

મુંબઈઃ અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘કરાચી સ્વીટ્સ’ નામની મીઠાઈની દુકાનના નામમાંથી ‘કરાચી’ શબ્દને ઢાંકી દેવાની તેના માલિકને ફરજ પડી છે. શિવસેનાના નેતા નીતિન નાંદગાંવકરે દુકાનમાં જઈને તેના માલિકને કહ્યું હતું કે તમને વિનંતી સાથે કહું છું કે તમે તમારી દુકાનના નામમાંથી કરાચી શબ્દ કાઢી નાખો, કારણ કે પાકિસ્તાનનું એ શહેર ત્રાસવાદીઓની ધરતી છે અને ત્યાંના ત્રાસવાદીઓને કારણે આપણા જવાનોના જાન જાય છે.

પોતે જ ફેસબુક પર શેર કરેલા વિડિયોમાં નાંદગાંવકર દુકાનમાલિકને એવું કહેતા સંભળાય છે કે તમે મુંબઈમાં ભલે ધંધો કરો, પણ દુકાનના નામમાં કરાચી શબ્દ ન રાખો. કરાચી શબ્દથી અમને બહુ તકલીફ થાય છે. તમારી દુકાનને તમારું કે તમારા પરિવારનું નામ આપો, પણ કરાચી શબ્દ નહીં ચાલે. હું તમને એ માટે સમય આપું છું. તમારે નામ બદલવું જ પડશે. તમે કરાચી નામ બદલી નાખશો તે પછી હું તમારી દુકાનમાં આવીશ અને ખાઈશ.

દુકાનમાલિકે પોતાનું નામ જાહેર કરવાની અનિચ્છા બતાવી છે, પણ એમણે બાદમાં પોતાની દુકાનના બોર્ડ પરના નામને છાપાના કાગળોથી ઢાંકી દીધું હતું. વિડિયોમાં એ નાંદગાંવકર સમક્ષ એવો ખુલાસો કરતા હતા કે ભારતના ભાગલા થયા એ પહેલાં એમના પૂર્વજો કરાચીમાં રહેતા હતા. પૂર્વજોની યાદને ખાતર એણે દુકાનના નામમાં કરાચી શબ્દ રાખ્યો છે, બાકી પાકિસ્તાન સાથે અમારે કશી લેવાદેવા નથી. દુકાનદારે બાદમાં પત્રકારોને કહ્યું કે નીતિન નાંદગાંવકરે એકદમ નમ્રતાપૂર્વક વાત કરી હતી અને નામ બદલી નાખવાનું કહ્યું હતું. હું આ મુદ્દે કોઈ મુસીબત ઊભી થાય એવું ઈચ્છતો નથી. દુકાનના નામમાંથી કરાચી શબ્દ કાઢી નાખવો કે નહીં એ વિશે હું મારા વકીલો સાથે મસલત કરીશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]