ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસના બે સુરક્ષારક્ષકને કોરોના થયો

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસ ઠાકરેના બે સુરક્ષા ગાર્ડને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનો અહેવાલ છે. આ બંને સુરક્ષારક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ એમને અંધેરી (પૂર્વ)ના મરોલ વિસ્તારમાં આવેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેજસ ઠાકરેના અન્ય સુરક્ષારક્ષકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે અને એમનો અહેવાલ આવવાનો હજી બાકી છે.

બે સુરક્ષાગાર્ડને કોરોના થયો છે એનાથી તેજસ ઠાકરે પર કોઈ જોખમ નથી. કારણ કે, તેજસ છેલ્લા અનેક દિવસોથી ઘરની બહાર નીકળ્યા જ નથી. એટલે તેઓ એમના સુરક્ષારક્ષકોના સંપર્કમાં આવ્યા નથી.

ઉદ્ધવ ઠાકરે અને રશ્મી ઠાકરેનાં મોટા પુત્ર આદિત્ય રાજ્યના પર્યટન અને પર્યાવરણ ખાતાના પ્રધાન છે.

આ પૂર્વે પણ ઠાકરે પરિવારના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે બંદોબસ્ત માટે રાખવામાં આવેલા અમુક પોલીસ જવાનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. એને કારણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નિવાસસ્થાનથી બહાર જવાનું શક્ય એટલું ટાળે છે. જોકે એને કારણે એમના વિરોધીઓને ટીકા કરવાનો મોકો મળી ગયો છે.

દરમિયાન, ઠાકરેના પ્રધાનમંડળના ચોથા સભ્યને પણ કોરોના થયો હોવાનો અહેવાલ છે.

મત્સ્યોદ્યોગ તથા બંદરગાહો ખાતેની કામગીરીઓના પ્રધાન અસલમ શેખને કરોના થયો છે. શેખ કોંગ્રેસ પાર્ટીના મલાડ (વેસ્ટ)ના વિધાનસભ્ય છે.

આ પહેલાં ઠાકરે પ્રધાનમંડળના જિતેન્દ્ર આવ્હાડ (એનસીપી), અશોક ચવ્હાણ (કોંગ્રેસ) અને ધનંજય મુંડે (એનસીપી)ને પણ કોરોના થયો હતો.