કરદાતાઓની સુવિધા માટે IT વિભાગે શરૂ કરી ઈ-કેમ્પેન યોજના

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે એવા લોકોની ઓળખ કરી છે, જેમણે ગયા નાણાકીય વર્ષમાં પોતાના ખાતાંઓમાં મોટી લેવડદવડ કરી છે, પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું અથવા તેમના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ખામીઓ છે. આવા લોકો માટે ઇન્કમ ટેક્સ વિભાગે ઈ-કેમ્પેન શરૂ કર્યું છે. આ ઝુંબેશ 20 જુલાઈથી શરૂ થઈ છે અને 31 જુલાઈ સુધી ચાલશે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ (CBDT) વિભાગે આ માહિતી આપતાં કહ્યું છે કે ઈ-કેમ્પેન યોજના હેઠળ આવકવેરા વિભાગ એવા લોકોને ઈમેઇલ અથવા SMS મોકલશે, જેથી પ્રાપ્ત સૂચના અનુસાર તેમની લેવડદેવડની ખરાઈ કરી શકાય.

જાણો શું છે ઈ-કેમ્પેન યોજના અને એના લાભાલાભ

આ ઈ-કેમ્પેનનો હેતુ કરદાતાઓને તેમના કરવેરા-લેવડદેવડની માહિતીની ખરાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો અને સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેમને નોટિસ ના મળે હોય અને તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે. કરદાતાઓનાં હિતમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

વિભાગ નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ખરાઈ કરવા માટે ઈમેલ-SMS મોકલશે

ઈ-કેમ્પેન અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા ઓળખી કઢાયેલા કરદાતાઓને IT વિભાગનું સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, સ્રોત પર કરકપાત (TDS), સ્રોત પર કર સંગ્રહ (TCS), વિદેશથી આવેલા નાણાં (પ્રપત્ર 15 CC) વગેરે વિભિન્ન સ્રોતોથી મળેલી નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ખરાઈ કરવા માટે ઈમેલ-SMS મોકલશે. વિભાગના ડેટા એનાલિટિક્સથી મળેલી માહિતી અંતર્ગત GST, નિકાસ, આયાત અને સિક્યોરિટીઝમાં લેવડદેવડ, ડેરિવેટિવ્ઝ, કોમોડિટીઝ અને  મ્યુચ્યુઅલ ફંડ વગેરે સંબંધિત માહિતીઓને એકત્ર કરવામાં આવી છે.

વધુ મૂલ્યની લેવડદેવડ કરવાવાળા કેટલાક કરદાતાઓની ઓળખ

ડેટા વિશ્લેષણથી વધુ મૂલ્યની લેવડદેવડ કરવાવાળા કેટલાક કરદાતાઓની ઓળખ કરવામાં આવી છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20 (નાણાં વર્ષ 2018-19થી સંબંધિત) માટે રિટર્ન ફાઇલ નથી કર્યાં. ઇન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરવાવાળા સિવાય એવા રિટર્ન ભરવાવાળાઓની ઓળખ પણ કરવામાં આવી છે, જેમના રિટર્નમાં ઊંચા મૂલ્યની લેવડદેવડ પ્રદર્શિત નથી કરવામાં આવી.

 

કોઈ પણ વિકલ્પ પસંદ કરીને ઓનલાઇન પ્રતિક્રિયા પણ નોંધાવી શકાશે

ઈ-કેમ્પેન રિટર્ન અંતર્ગત, કરદાતા નિર્દિષ્ટ પોર્ટલ પર ઊંચા મૂલ્યની લેવડદેવડ સંબંધિત માહિતી જોવામાં સક્ષમ હશે. તેઓ આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરીને ઓનલાઇન પ્રતિક્રિયા પણ નોંધાવી શકશે.

1 માહિતી સાચી છે

2 માહિતી સંપૂર્ણ રીતે સાચી નથી.

3 માહિતી કોઈ અન્ય વ્યક્તિ –વર્ષ સંબંધિત છે.

4 માહિતી ડુપ્લિકેટ છે, અન્ય પ્રદર્શિત માહિતીમાં એ સામેલ છે.

5 માહિતી અસ્વીકૃત છે.  

આવકવેરા ઓફિસમાં જવાની જરૂર નથી

કોઈ પણ પ્રકારથી આવકવેરા ઓફિસમાં જવાની જરૂર નથી, કેમ કે પ્રતિક્રિયા એનલાઇન આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસેસમેન્ટ યર 2019-20 (નાણાકીય વર્ષ 2018-19થી સંબંધિત) માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ સંશોધિત કરીને 31 જુલાઈ, 2020 કરવામાં આવી છે.