સરકારી વીમા કંપનીઓ, બેન્કોનું ખાનગીકરણ કરવાની તૈયારી?

નવી દિલ્હીઃ અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ધીમે-ધીમે જાહેર કંપનીઓનું ખાનગીકરણ કરવાની દિશામાં ધીમા પણ મક્કમ પગલાં ભરી રહી છે. સરકાર વીમા કંપનીઓ અને બેન્કોનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર LIC અને અને નોન-લાઇફ સિવાયની બાકીની બધી વીમા કંપનીઓમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો હપ્તાવાર વેચે એવી શક્યતા છે. બીજી બાજુ બેન્કોનું પણ ખાનગીકરણ કરવાનું એક મોટું આયોજન થઈ રહ્યું છે. કહેવાય છે કે એના પર PMO, નાણાં મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે સહમતી બની છે અને એ માટેની કેબિનેટ નોટ પણ તૈયાર છે.

સરકારી વીમા કંપનીઓ ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી વીમા કંપનીઓને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આના માટે વડા પ્રધાનના કાર્યાલય, નાણાં મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે વિચારવિમર્શ થઈ ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી વીમા કંપનીમાં સંપૂર્ણ સરકારી હિસ્સો વેચવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક મંજૂરી બની ચૂકી છે. સરકારી કંપનીઓના ખાનગીકરણની નીતિની કેબિનેટ ડ્રાફ્ટ નોટ તૈયાર થઈ ચૂકી છે. આ પ્રસ્તાવ મુજબ LIC અને એક નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સરકાર પોતાની પાસે રાખશે.

હાલ આઠ સરકારી વીમા કંપનીઓ છે

વર્તમાન સમયમાં કુલ આઠ સરકારી વીમા કંપનીઓ કાર્યરત છે. LIC ઉપરાંત છ જનરલ ઈન્શ્યુરન્સ અને એક નેશનલ રીઇન્શ્યોરર કંપની છે.

બેન્કોનું ખાનગીકરણ

સૂત્રોના જણાવ્યાનુસાર છ સરકારી બેન્કો સિવાયની બાકીની બધી બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવે એવી શક્યતા છે. પહેલા તબક્કામાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકારી હિસ્સો વેચાય એવી સંભાવના છે. છ સરકારી બેન્કો સિવાયની બધી બેન્કોના ખાનગીકરણની યોજના હેઠળ બેન્કોમાં સરકારી હિસ્સો તબક્કાવાર વેચવાનો પ્રસ્તાવ છે. પહેલા પાંચ સરકારી બેન્કોમાં હિસ્સો વેચવામાં આવે ધારણા છે. બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાનગીકરણની સંભાવના છે. યુકો બેન્કમાં પણ સરકારી હિસ્સો વેચવામાં આવે એવી શક્યતા છે.