ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની પસંદગી

અમદાવાદ:  ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની પસંદગી કરવામાં આવી છે. હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની મુદત પૂર્ણ થઈ રહી છે, જેના કારણે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખનો તાજ કોના માથે મૂકશે તેવી અટકળો શરુ થઈ હતી. પરંતુ પ્રદેશ પ્રમુખપદે સી.આર. પાટીલની નિયુક્તિ કરવામાં આવતા આ અટકળોનો આજે અંત આવી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદ કોઈ બિનગુજરાતી નેતાના હાથમાં સોંપવાની આ પ્રથમ ઘટના છે. મહત્વનું છે કે, સી.આર.પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે.

ઉલ્લેખનીય છે કે, 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સી.આર. પાટીલે પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ત્યારબાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર. પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તે કુલ 8,20,831 મતના માર્જિનથી જીત્યા હતા અને સૌથી વધુ લીડ સાથે જીત મેળવનાર સંસદસભ્યોમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. બે મુદત સુધી સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્રીજીવાર સાંસદ બન્યા.

(પરેશ ચૌહાણ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]