એક કોન્સ્ટેબલથી પ્રદેશ અધ્યક્ષ સુધીની સી.આર.પાટીલની સફર 

સુરત: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ અને ભાજપના નેતા સી આર પાટીલની નિમણુંક અનેક લોકોને ચોંકાવી ગઈ છે. કારણ સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકેની વરણીનો અણસાર ગુજરાતમાં કોઈને ન હતો. અલબત્ત એ ભાજપમાં 1989માં આવ્યા અને પછી એ સતત સક્રિય રહ્યા છે. અનેક જવાબદારી પછી 2009માં પ્રથમ ચૂંટણી લોકસભાની લડેલા અને સાંસદ બન્યા હતા. દક્ષિણ ગુજરાતમાં સ્વર્ગસ્થ કાશીરામ રાણા એક વખત પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા એ પછી સી આર પાટીલ દક્ષિણ ગુજરાતના પ્રથમ નેતા છે જેને મહત્વનું પદ મળ્યું છે
લોકસભાની ગત ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહીત 543 સાંસદો ચૂંટાયા હતા. આ બધામાં નવસારીના સાંસદ સી આર પાટીલને 6,89, 668 ની સરસાઈ મળી, દેશમાં સૌથી વધુ સરસાઈથી જીતવાનો યશ સી આર પાટીલને મળ્યો. આ એમની લોકસભામાં સતત ત્રીજી જીત હતી. એક સમયે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા, એ નોકરીમાંથી રાજીનામુ આપ્યું હતું. પછી એ ભાજપમાં સક્રિય થયા હતા. એક સમયે એ જી.આઈ.ડી.સી. અને જી.એ.સી.એલના અધ્યક્ષ રહ્યા હતા. સુરત શહેર ભાજપમાં એ કોષાધ્યક્ષ અને ઉપપ્રમુખ બન્યા હતા પણ એ દરમિયાન એ પક્ષની કામગીરી સતત કરતા રહ્યા છે. એમને આપવામાં આવેલા દરેક ટાર્ગેટની એમણે પુરા કર્યા છે.
ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલા 1955માં જલગાંવ જિલ્લામાં એમનો જન્મ થયો હતો. એમનું શિક્ષણ વલસાડ અને સુરત જિલ્લામાં પલસાણા, મઢી, સચિન, ડુમસ, રાંદેર અને છેલ્લે સુરતમાં આઈટીઆઈમાં અભ્યાસ કરીને પિતા રઘુનાથ પાટીલની જેમ પોલીસમાં જોડાયા હતા. એમના પિતા 1951માં ગુજરાતમાં આવીને વસ્યા હતા. એ પછીનો ઇતિહાસ તો જાણીતો છે. પોલીસ તરીકે નોકરી છોડી પછી એમણે ટેક્ષટાઇલનો વ્યવસાય કર્યો અને ભાજપમાં જોડાયા પછી તો એ સક્રિય રહ્યા છે. એ પોલીસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા અને 1992માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ઉમેદવાર થયેલા. પરંતુ બાબરી ધ્વંશ અને બાદના રમખાણની પરિસ્થિતિના કારણે એ ચૂંટણી જ રદ થયેલી અને સી આર પાટીલ કોપોરેટર બનતા બનતા રહી ગયેલા અને પછી એ સીધા જ 2009માં સાંસદ બન્યા અને હવે પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા છે.
સંઘર્ષ અને જેલ 
 
સુરતની ડાયમંડ જ્યુબિલી કો-ઓપરેટીવ બેંકની લોન બાબતે એક કેસ એમની સામે થયો હતો અને એ માટે એમણે જેલમાં જવું પડ્યું હતું. અલબત્ત આ કેસમાં એમને હાઇકોર્ટે મુક્ત કર્યા છે. એમણે બેંકમાંથી લીધેલી લોન વ્યાજ સહીત પરત કરી દીધી હતી. સી આર પાટીલ હંમેશા કહે છે કે આવું કરનાર હું એક જ છું જેણે બંધ થયેલી બેન્કની લોન વ્યાજ સહીત પરત કરી છે. આ ઘટનાના કારણે એમને ખુબ મોટું આર્થિક નુકશાન પણ થયું હતું.
વડાપ્રધાન મોદીના ખાસ 
 
2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એ પહેલાથી સી આર પાટીલને એમની સાથે બહુ અંગત ઘરોબો રહ્યો છે. ચિત્રલેખા સાથેના એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે હું જીઆઈડીસી, જીઆઈસીએલનો ચેરમેન બન્યો તે કે સાંસદ તરીકેની મારી પસંદગી નરેન્દ્રભાઈ એ જ કરી હતી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ પછી એમણે  એમના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી પણ સી આર પાટીલને આપી છે. પરંતુ સી આર પાટીલ વારાણસીનું કાર્ય પરદા પાછળ રહીને કરે છે ત્યાં કોઈ પણ જાહેર કાર્યક્રમમાં એ  મંચ ઉપર જતા નથી.
સક્રિય સાંસદ તરીકેની છાપ 
સી આરની કામગીરીઆઇએસઓ આમ તો એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે પણ એ એમની ઓળખ સી આર પાટીલની જ છે. 2009માં સાંસદ બન્યા પછી એમણે એમની ઓફિસ આઇએસઓ કરાવી હતી મૂડીઝ પાસે કોઈ સાંસદએ પોતાની ઓફિસ માટે સર્ટિફિકેટ લીધું હોવાની એ વિશ્વની પ્રથમ ઘટના હતી. 2014માં નરેન્દ્રભાઈ મોદીએ જયારે સાંસદોને કોઈ એક ગામ દત્તક લેવાનું કહ્યું તો એમણે માત્ર છ મહિનામાં ચીખલી ગામની કાયાપલટ કરીને દેશનું સૌપ્રથમ સાંસદ આદર્શ ગામ ચીખલીને બનાવ્યું હતું. ગયા વર્ષે જ સમગ્ર માટે વિસ્તારમાં વૃક્ષારોપણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ બહુ વ્યાપકપણે કર્યું હતું. લોકડાઉન દરમિયાન ત્રણ લાખ રાશન કીટ પોતાની રીતે વહેંચી હતી તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉડીશા જવા માટેની ટ્રેન અને બસની વ્યવસ્થામાં સોંપ્રથમ એ આગળ આવ્યા હતા. એમનું કાર્યાલય સતત મુલાકાતીથી ઉભરાતું રહે છે. લોકનેતા તરીકેની એમની છાપ અને ઈલેક્શન મેનેજમેન્ટમાં માહિર હોવાની ઓળખ એમને હવે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જેવા પ્રતિષ્ઠિત પદ સુધી લઇ ગઈ છે.
સી આર સામે પડકાર 
પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌપ્રથમ તો અત્યારે કોરોના કાળમાં સરકારની છબી સુધારવાની જવાબદારી રહેશે. એ પછી આવનારી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીની અને સાથે જ મહાનગરપાલિકા અને પંચાયતોની અતિ મહત્વની ચૂંટણી જીતાડવાની જવાબદારી એમને સિરે છે અને એ જ એમનો મોટો પડકાર છે.
(ફયસલ બકીલી)