સી.આર. પાટીલે ભાજપના 13મા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સી.આર. પાટીલે આજે સંભાળી લીધો છે. અત્રે ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પક્ષના ગુજરાત એકમના વિદાય લેનાર પ્રમુખ જીતુ વાઘાણીએ સી.આર. પાટીલને ચાર્જ સોંપ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા જ પાટીલે પેટા-ચૂંટણીમાં તમામ બેઠકો પર જીત હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી અને હવે સી.આર. પાટીલ પર પસંદગી ઉતારવામાં આવી છે. પાટીલ ગુજરાત ભાજપના 13મા પ્રમુખ બન્યા છે. વિજય મુહૂર્તમાં એમને શ્રીફળ અને ફૂલ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમણે પદભાર સંભાળ્યો હતો.

મહત્વનું છે કે, ગુજરાત ભાજપનું પ્રમુખપદ કોઈ બિનગુજરાતી નેતાના હાથમાં સોંપવાની આ પ્રથમ ઘટના છે. ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે.

(પરેશ ચૌહાણ)