ગાંધીનગર: ગુજરાતની રાજ્યસભાની 11માંથી ખાલી પડેલી 4 બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી માટેનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. સંખ્યાબળ જોતા ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે.
ચારેય ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું
ભાજપના ચારેય ઉમેદવાર રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારિયાએ વિજય મુહુર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત દેશની કલ્પનાની ગુજરાતે શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો રાજ્યસભાનો એકપણ સભ્ય નહીં હોય તેવું પ્રથમવાર બનશે. આ ગુજરાતની જનતાના કારણે શક્ય બન્યું છે. લોકોએ અમારા એટલા પ્રતિનિધિઓને ચૂંટ્યા છે કે, જેના કારણે કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ન ચાલે. 
માનસિંહ સાંસદ બનશે
માનસિંહ પરમાર તો 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા અને માનસિંહ પરમારનો હતા. ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખૂબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા.
ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસની ગેરહાજરી
ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે.
આદિવાસી સમાજમાંથી મુકેશ રાઠવાને મેદાને
આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને હાઇલી એજ્યુકેટેડ ચેહેરો છે.
રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે, અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે.






