મુંબઈઃ લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર તન્મય વેકરિયા (બાઘા)એ આજે ખુલાસો કર્યો છે કે પોતાને કે એના પરિવારના કોઈ સભ્યને કોરોના વાઈરસ બીમારી થઈ નથી.
તન્મય જ્યાં રહે છે તે કાંદિવલી (વેસ્ટ) ઉપનગરના મહાવીર નગર વિસ્તારમાં આવેલા રાજ આર્કેડ ટાવરમાં 3 જણને કોરોના બીમારી લાગુ પડતાં આખી સોસાયટીને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે.
આ સમાચાર બાદ અમુક મિડિયાકર્મીએ ગેરસમજ કરતાં તન્મયે એક વિડિયો નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી છે કે પોતાને કે એના પરિવારના કોઈ પણ સભ્યને કોરોના બીમારી થઈ નથી. તન્મયે કહ્યું કે, હા અમારી સોસાયટીમાં કોરોનાના 3 પોઝિટીવ કેસ આવ્યા છે. એને કારણે અમારી સોસાયટીને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે અને હું પણ મારા પરિવારની સાથે સેલ્ફ-ક્વોરન્ટાઈન થયો છું. હું અમારા ઘરમાં જ છું, ભગવાનની દયાથી મને આ બીમારી થઈ નથી, હું એકદમ તંદુરસ્ત અને ફિટ છું, મારા પરિવારની સાથે સમય વિતાવી રહ્યો છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આખી દુનિયામાં આ વાઈરસ જે રીતે ફેલાયો છે એને જડમૂળથી દૂર કરે અને આપણને સૌને તંદુરસ્ત રાખે. તમે પણ સહુ તમારા પરિવારની સાથે તમારા ઘરમાં જ સુરક્ષિત રહેજો.