મુંબઈ લોકડાઉનનો ભંગ કરી DHFLના પ્રમોટર્સ ફાર્મહાઉસ ગયા; પોલીસ અધિકારી સામે તપાસ

મુંબઈઃ હાઉસિંગ માટે લોકોને ધિરાણ આપતી, પણ ભ્રષ્ટાચાર કૌભાંડમાં સંડોવાયેલી કંપની DHFL (દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ)ના પ્રમોટરો કપિલ વાધવાન અને ધીરજ વાધવાનની પોલીસે અટકાયત કરી છે, કારણ કે આ બંને જણ એમના 20થી વધારે પરિવારજનો સાથે કોરોના વાઈરસ લોકડાઉન નિયમોનો ભંગ કરીને, સરકારી અધિકારી પાસેથી ‘સ્પેશિયલ પાસ’ મેળવીને મહારાષ્ટ્રના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં આવેલા એમના ફાર્મહાઉસ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં 21-દિવસનું લોકડાઉન ચાલે છે, જે 14 એપ્રિલ સુધી લાગુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વારંવાર અપીલ કરી છે કે રોગચાળો ફેલાતો રોકવા માટે તમામ નાગરિકો એમના ઘરમાં જ રહે અને ક્યાંય બહાર ન નીકળે. લોકડાઉનમાં માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવામાં આવી છે બાકી તમામ ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. ટ્રેન સેવા તથા વાહનવ્યવહાર પણ બંધ છે. તે છતાં વાધવાન પરિવાર પિકનિક માણવા માટે મહાબળેશ્વર પહોંચી ગયો હતો.

મહાબળેશ્વરના સ્થાનિક લોકોએ પોલીસને એ વિશે સતર્ક કરી હતી અને એને પગલે પોલીસે વાધવાનના ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. તમામ 23 જણને એક સરકારી કેન્દ્રમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ કોર્ટે ગયા માર્ચ મહિનામાં વાધવાન બંધુઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોર્ટે મુંબઈના સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે સીબીઆઈ તપાસ એજન્સીની મંજૂરી વગર વાધવાન બંધુઓને છોડવા નહીં.

વાધવાન બંધુઓ ભાગી ન જાય એટલા માટે સીબીઆઈ મુંબઈ પોલીસના સંપર્કમાં છે.

વાધવાન પરિવારજનો ગયા બુધવારે રાતે પાંચ કારમાં બેસીને મહાબળેશ્વર ગયા હતા, જે મુંબઈથી આશરે 250 કિ.મી.ના અંતરે આવેલું છે. એમને ત્યાં જવા માટેના પાસ પોલીસ અધિકારી અમિતાભ ગુપ્તાએ ઈસ્યૂ કર્યા હતા, જે મહારાષ્ટ્ર સરકારમાં ગૃહ મંત્રાલયના મુખ્ય સચિવ પદે છે.

એક સત્તાવાર પત્રમાં ગુપ્તાએ કહ્યું છે કે વાધવાન પરિવારની એ ટ્રિપ પારિવારિક ઈમરજન્સીને કારણે હતી.

વાધવાન પરિવારને અમિતાભ ગુપ્તાના પત્રના આધારે મુંબઈથી પુણેના ખંડાલા અને ત્યાંથી સતારા જિલ્લાના મહાબળેશ્વરમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. ગુપ્તાએ પત્રમાં લખ્યું છે કે, હું વાધવાન બંધુઓને ઓળખું છું, તેઓ મારા પારિવારિક મિત્રો જેવા છે. તેઓ પારિવારિક ઈમરજન્સીને કારણે ખંડાલાથી મહાબળેશ્વર જઈ રહ્યા છે… તેથી તમને આ પત્ર દ્વારા જાણ કરું છું કે એમને મહાબળેશ્વર સુધી જવા માટે સહકાર આપવો.

પોલીસના જણાવ્યા મુજબ, વાધવાન પરિવાર એની સાથે એમના ચોકિયાતો, રસોયાઓ અને નોકરોને પણ લઈ ગયા હતા.

પોલીસે આ તમામની સામે કેસ નોંધ્યો છે.

સીબીઆઈએ કપિલ અને ધીરજ વાધવાન સામે લૂકઆઉટ નોટિસ ઈસ્યૂ કરી હતી. આ બંને ભાઈ યસ બેન્ક અને DHFL છેતરપિંડી કેસમાં આરોપીઓ છે. આ બંને જણનો ક્વોરન્ટાઈન સમયગાળો પૂરો થયા બાદ સીબીઆઈ બંનેને તાબામાં લેશે.

આ બંને જણ સામે એક કેસ રૂ. 14,000 કરોડ DHFLમાંથી અન્યત્ર વાળી દેવાને લગતો છે. એ માટે તેમણે નકલી બોરોઅર્સનો ઉપયોગ કર્યો હતો અને DHFLને લોન આપવાના બદલામાં યસ બેન્કના પ્રમોટર્સને મોટી રકમની લાંચ આપી હતી.

આ કેસમાં યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી છે.

દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સિનિયર પોલીસ અધિકારી અમિતાભ ગુપ્તા, જે રાજ્યના ગૃહ મંત્રાલયમાં મુખ્ય સચિવ (સ્પેશિયલ) પદે છે એમને તાત્કાલિક અમલમાં આવે એ રીતે રજા પર ઉતારી દીધા છે અને આ કેસમાં તપાસ શરૂ કરાવી છે.

એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ સૌનિકને આ તપાસ સોંપવામાં આવી છે.

અમિતાભ ગુપ્તાને ફરજિયાત રજા પર ઉતરી જવાનો આદેશ આપનાર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તે જાણકારી આપતું આ ટ્વીટ કર્યું છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘ટાઈમ્સ નાઉ’ ચેનલના એક અહેવાલને ટાંકીને આ મામલો ઉઠાવ્યો હતો. ફડણવીસે ટ્વીટમાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની ઝાટકણી કાઢતા લખ્યું કે, વાધવાન બંધુઓને વીઆઈપી ટ્રિટમેન્ટ શા માટે? મુખ્ય પ્રધાન (ઉદ્ધવ ઠાકરે) એમનું મૌન તોડે, જવાબ આપે. મહારાષ્ટ્રમાં શું વગદાર અને ધનવાન લોકોને લોકડાઉન લાગુ નથી થતું? કોઈક પોલીસની સત્તાવાર પરવાનગી મેળવીને મહાબળેશ્વરમાં રજા માણે છે. કોઈ સિનિયર પોલીસ અધિકારી આવું કરવાના પરિણામથી અજાણ આવી ગંભીર ભૂલ કરે એ શક્ય નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]