મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકેરેએ લોકડાઉનની મુદત મહારાષ્ટ્રમાં વધારીને 30 એપ્રિલ સુધી કરી દીધી છે. તેમણે  કેટલાંક ક્ષેત્રોમાં લોકડાઉનમાં રાહત આપવાના સંકેત પણ આપ્યા હતા. જો કે કેટલાંક ક્ષેત્રોમાં એને સખતાઈપૂર્વક લાગુ કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રની સાથે કર્ણાટકમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યું છે. 

આ પહેલાં કોરોના વાઇરસને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક થઈ હતી.આ બેઠકમાં મોટા ભાગના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન વધારવાની વકીલાત પણ કરી હતી. બીજી બાજુ વડા પ્રધાન મોદીએ પણ લોકડાઉન બે સપ્તાહ વધારવાના સંકેત આપ્યા હતા.

વડા પ્રધાન સાથેની આ વિડિયો કોન્ફરન્સિંગની બેઠકમાં મુખ્ય પ્રધાનોમાં પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહ, પશ્ચિમ બંગાળનાં મમત બેનરજી, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, તેલંગાણાના ચંદ્રશેખર રાવ, બિહારના નીતીશકુમાર સહિત અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો સામેલ હતા.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો

દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધી આ વાઇરસના સંક્રમણના 1,600 કેસો નોંધાયા છે, જેમાં મુંબઈ એકલામાં 1000ની ઉપર કેસો નોંધાયા છે. અત્યાર સુધી 110 લોકોનાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી 188 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]