સુશાંત સિંહ મૃત્યુ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસે આજે નવો વળાંક લીધો છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. એજન્સીએ સુશાંતના મૃત્યુના સંબંધમાં રૂ. 15 કરોડની રકમના શંકાસ્પદ સોદાઓ થયા હોવાના મામલે તપાસ આદરી છે.

સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી કરાયેલા રૂ. 15 કરોડના સોદા તેમજ એના ઘરમાંથી કેટલીક રકમ અને ચીજવસ્તુઓની કરાયેલી ઉઠાંતરીના મામલે તપાસ કરી રહેલી બિહાર પોલીસની એફઆઈઆરને આધાર ગણીને ઈડી એજન્સીએ તપાસ આદરી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાયદાનો અમલ કરાવતી કેન્દ્રીય એજન્સી છે. આ ઉપરાંત તે આર્થિક બાબતો માટેની ગુપ્તચર એજન્સી પણ છે, જે દેશમાં આર્થિક ગુનાઓને ઉકેલે છે અને આર્થિક કાયદાઓનો અમલ કરાવે છે. આ એજન્સી કેન્દ્રીય રેવેન્યૂ વિભાગ તથા નાણાં મંત્રાલયનો હિસ્સો છે.

સુશાંતના પિતાએ એમના દીકરાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તિ, એનાં પરિવારજનો તથા અન્ય છ જણ વિરુદ્ધ સુશાંત સાથે છેતરપીંડી કરવા, એનું શોષણ કરવા અને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ પટનામાં એફઆઈઆર નોંધાવ્યા બાદ આ કેસમાં ઈડી એજન્સીની એન્ટ્રી થઈ છે.

દેવેન્દ્ર ફડણવીસે ED દ્વારા તપાસ કરાવવાની માગણી કરી

બોલીવૂડના 34 વર્ષીય પ્રભાવશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી સર્જાયેલું રહસ્ય ઘેરું બનતું જાય છે અને આજે સવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આપેલી પ્રતિક્રિયાને કારણે કેસમાં નવો વળાંક આવ્યો છે.

ફડણવીસે કહ્યું છે કે સુશાંતના મૃત્યુ કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરાવવી જોઈએ, કારણ કે એવું લાગે છે કે આ કેસમાં મોટા પાયે નાણાંની ઉચાપત થઈ હોવાનો (મની લોન્ડરિંગ)નો મુદ્દો સામેલ છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા ફડણવીસે ટ્વિટર પર શેર કરેલા એક વિડિયો નિવેદનમાં મરાઠીમાં કહ્યું છે કે સુશાંત મૃત્યુ કેસમાં મુંબઈ પોલીસને બદલે કેન્દ્રીય સત્તાવાળાઓએ તપાસ કરવાની જરૂર છે.

ફડણવીસે કહ્યું કે સુશાંતના કેસ સાથે જનતાની વિશાળ પાયે લાગણી સંકળાયેલી છે એટલે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ, પરંતુ મહારાષ્ટ્ર સરકાર એમ કરવા તૈયાર નથી. આ કેસમાં કંઈ નહીં તો ED વિભાગ દ્વારા તપાસ કરાવવી જોઈએ. ED અધિકારીઓએ ECIR ફરિયાદ નોંધવી જોઈએ, કારણ કે આમાં પૈસાની ગોલમાલ અને મની લોન્ડરિંગનો મુદ્દો બહાર આવ્યો છે.

એવી જ રીતે, ભાજપના મુંબઈવાસી અન્ય સ્થાનિક નેતા આશિષ શેલારે પણ આરોપ મૂક્યો છે કે સુશાંત મૃત્યુ કેસમાં તપાસ યોગ્ય રીતે કરવામાં આવી નથી. માત્ર શકમંદોના નામ વિશે ચર્ચા જ કરાય છે, એમની પૂછપરછ કરાતી નથી. પોતે આ સંદર્ભમાં રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળશે અને આ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરી દેવાની વિનંતી કરશે.