જાન્યુઆરીના આરંભથી સૌનૈ માટે લોકલ ટ્રેનોની સંભાવના

મુંબઈઃ મહાનગરમાં જાન્યુઆરીના આરંભથી તમામ લોકોને ઉપનગરીય ટ્રેનોમાં ફરી પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવે એવી ધારણા છે. આ જાણકારી મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે આપી છે. એમણે કહ્યું છે કે રેલવે મંત્રાલય સાથે આ સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકારનો પત્રવ્યવહાર આખરી તબક્કામાં છે.

વડેટ્ટીવારે કહ્યું કે અમે રેલવે મંત્રાલયને લખ્યું છે કે આવતા વર્ષના જાન્યુઆરીના આરંભથી તમામ પ્રવાસીઓ માટે લોકલ ટ્રેનો શરૂ કરવી જોઈએ. હાલ માત્ર આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા મહિલાઓ, એમ પસંદગીની કેટેગરીનાં લોકોને જ સ્પેશિયલ ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારના પત્રને રેલવે મંત્રાલયે રેલવે બોર્ડને તેની મંજૂરી માટે મોકલી આપ્યો છે. બે-ત્રણ દિવસમાં જવાબ આવી જશે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા છેલ્લા 9 મહિનાથી મુંબઈમાં લોકલ ટ્રેનો આમજનતા માટે બંધ છે.