મુંબઈઃ દિલ્હીમાં 2012ના ડિસેમ્બરમાં બનેલા નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસ જેવો જ ઘૃણાસ્પદ બનાવ મુંબઈના અંધેરી (પૂર્વ)ના સાકીનાકા વિસ્તારમાં ગયા વર્ષે બન્યો હતો. તે માટે અપરાધી જાહેર કરાયેલા 45 વર્ષના મોહન ચૌહાણને અહીંની સેશન્સ અદાલતે (વિશેષ અદાલતે) આજે ફાંસીની સજા ફટકારી છે. એડિશનલ સેશન્સ જજ એચ.સી. શેન્ડેએ એમના ચુકાદામાં કહ્યું કે આ ગુનો અત્યંત દુર્લભ પ્રકારનો છે. ફરિયાદી પક્ષ મુંબઈ પોલીસે અપરાધી મોહનને ફાંસી આપવાની ગઈ કાલે કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે આજે સજાની સુનાવણી કરી હતી.
મોહને ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સાકીનાકા વિસ્તારમાં અત્યંત નિર્દય બનીને 34 વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હતો અને બાદમાં એની હત્યા કરી હતી. એણે મહિલાનાં ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો નાખીને એની હત્યા કરી હતી. ફરિયાદી પક્ષના વકીલે ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે એક મહિલા પર અને અનુસૂચિત જાતિની મહિલા પર આ પ્રકારનો ગુનો અત્યંત ગંભીર છે. રાતના સમયે એક નિઃસહાય મહિલા પર ભીષણ હુમલો કરાયો હતો. એને કારણે મુંબઈ જેવા મહાનગરમાં મહિલાઓની સુરક્ષા વિશે ડર ઊભો થયો હતો.