માનવ-સ્પર્શથી મંકીપોક્સ પ્રસરે છેઃ મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન

મુંબઈઃ મંકીપોક્સ ચેપી બીમારી દુનિયાના 20થી વધારે દેશોમાં ફેલાઈ છે. આને કારણે મહારાષ્ટ્ર અને ભારતમાં પણ ચિંતા પ્રસરી છે. એને પગલે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ અમુક વાત જણાવી છે.

એમણે જનતા દરબાર વખતે કહ્યું હતું કે, કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો ચિંતાનું કારણ નથી. મુંબઈ અને પુણે સહિત રાજ્યના 36 જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ વધારે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી નથી. ચેપગ્રસ્ત દર્દીઓમાં કોરોનાના લક્ષણ સૌમ્ય છે. એવી જ રીતે, મંકીપોક્સનો પણ ડર રાખવાની જરૂર નથી. મહારાષ્ટ્ર કે ભારતમાં ક્યાંય હજી સુધી મંકીપોક્સનો એકેય કેસ નોંધાયો નથી. એટલું ખરું કે આ રોગ ચેપી છે. માનવી સ્પર્શથી એ પ્રસરે છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે. એટલે જ મુંબઈ અને મહારાષ્ટ્રના તમામ એરપોર્ટ ખાતે તમામ પ્રવાસીઓનું કડક મેડિકલ સ્ક્રીનિંગ કરાય છે.