‘વર્લ્ડ નો ટોબેકો ડે’: નોખું-અનોખું આયોજન… બીએપીએસ બાલક-બાલિકા દ્વારા વ્યસન-મુક્તિ ઝુંબેશ

મુંબઈઃ હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. ‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે’ એ જીવનભાવના સાથે સ્વામીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ૪૦ લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા. તેમની પ્રેરણાથી જ આજે, 31 મેએ વિશ્વ તમાકુનિષેધ દિવસનાઉપક્રમે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, વગેરે રાજ્યોમાં ૧૦૦થી વધુ વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન થયું.

પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફલૉટ્સ, બાલક-બાલિકા દ્વારા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજજાગૃતિનું વિરાટ કાર્ય થયું હતું. વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં ૫૦,૦૦૦ જેટલાં બાલક-બાલિકાએ તથા વંદનીય સંતોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પખવાડિયાથી દેશભરમાં બીએપીએસ સંસ્થાનાં ૧૬,૦૦૦થી વધુ બાળકોનાં ૪૨૦૦ વૃંદ ઉનાળુ વૅકેશનમાં વ્યસનમુક્તિ મિશનમાં જોડાયાં હતાં. તેમણે ઘર, દુકાન, ઑફિસ, ફૅક્ટરી, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને ૧૪ લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કરી વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી આપી, જેમાં આશરે ૪ લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી, આશરે ૧૦ લાખ લોકોએ બીજાને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો. તો સંસ્થાની ૧૪,૦૦૦ બાલિકાઓનાં ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં ‘પ્રકૃતિ સંવર્ધન ઝૂંબેશ’ યોજાઈ, જેમાં દેશભરમાં બાલિકાઓએ ઘરોઘર જઈને ૧૨ લાખ જેટલા લોકોને પાણી બચાવો, વીજળી બચાવો તથા વૃક્ષ વાવવાના સંદેશ આપ્યા.

રસપ્રદ વાત એ કે આવી ઝૂંબેશથી સમાજને તો લાભ થશે જ, પરંતુ એ સાથે એમાં જોડાયેલાં બાલક-બાલિકાને આજીવન વ્યસનમુક્ત રહેવાના તથા વીજળી, પાણી બચાવવાના, અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા. તેમ જ સેલ્ફ કૉન્ફિડન્સ, કમ્યુનિકેશન, લીડરશિપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્ત શક્તિ એમનામાં ખીલી હતી. દેશહિત માટે કંઈક કરી છૂટવાના, સમાજની નિઃસ્વાર્થ સેવાના, ગુરુને રાજી કરવાનાં ઉચ્ચતમ આદર્શોનાં બીજ આ બાલક-બાલિકાનાં અંતરમાં રોપાયાં.